ટ્રેન્ડિંગનેશનલ

‘ન્યાયના ભોગે દયા નહીં દાખવવામાં આવે…’ પત્નીની હત્યાના આરોપમાં કોર્ચે 71  વર્ષીય શખસને સંભળાવી ચોંકાવનારી સજા

મહારાષ્ટ્રઃ 24 જૂન, 2025: Maharashtra Court: મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક કોર્ટે 71 વર્ષીય એક વૃદ્ધને તેની બીમાર પત્નીની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે કહ્યું કે, આ એક ઈરાદાપૂર્વક અને આયોજનબદ્ધ હત્યા હતી. એડિશનલ સેશન્સ જજ વી.એલ. ભોંસલેએ શોભનાથ રાજેશ્વર શુક્લાને તેની પત્ની શારદાની હત્યા કરવા બદલ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા. કોર્ટે 71 વર્ષીય વ્યક્તિને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને તેના પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ગળા પર હતું નિશાન

કોર્ટે કહ્યું કે, હત્યાનું પૂર્વયોજિત સ્વરૂપ અને પીડિતાની નબળાઈનો સંપૂર્ણ ઉપયોગ પર ધ્યાન આપતા આરોપી સામે દયા ન દાખવી શકાય. કોર્ટ ન્યાયના ભોગે દયા ન દાખવી શકે.

પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ ફરિયાદ

કેસની વિગત વિશે વાત કરીએ તો, બીમાર મહિલાનું 8 નવેમ્બર, 2019ના દિવસે થાણે શહેરના વાગલે એસ્ટેટ વિસ્તારમાં પોતાના ઘરે મૃત્યુ થયું હતું અને તેના એક પુત્રને તેના વિશે જાણ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં, મહિલાના પુત્રએ તેના ગળા પર શંકાસ્પદ નિશાન જોયા, જે સફેદ મલમથી ઢંકાયેલા હતા, જેના પગલે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગળું દબાઈને કરાઈ હત્યા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તારણ નીકળ્યું કે, શારદાનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હતું. સરકારી વકીલે કોર્ટને વૃદ્ધ દંપતી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વિશે માહિતી આપી હતી. શારદા વિધવા હતી અને તેના પહેલા લગ્નથી તેને ત્રણ પુત્રો હતા. શોભનાથ વિધુર હતો, શારદાએ તેની સાથે લગ્ન કર્યા. શારદાએ તેના પહેલા પતિની મિલકત વેચીને મળેલા પૈસાથી એક ઓરડો બનાવ્યો હતો, જે તે તેના નાના પુત્રના નામે કરવા માંગતી હતી. પરંતુ શોભનાથ તેને તેના પુત્ર અશોકના નામે કરવા માંગતો હતો. આ બાબતે તેમનો ઝઘડો થયો.

બચાવ પક્ષે હત્યાને આત્મહત્યામાં બદલાવાનો કર્યો પ્રયાસ

ફરિયાદીના જણાવ્યા મુજબ, જૂન 2019માં પડી ગયા બાદ શારદા ચાલી શકતી ન હતી અને સંભાળ માટે શોભનાથ પર નિર્ભર બની ગઈ હતી. શારદાના પુત્રો વિશાલ અને અમોલ યાદવે તેમની જુબાનીમાં જણાવ્યું હતું કે, શોભનાથ શારદાની સંભાળ રાખવાને બોજ માનતો હતો અને ઘણીવાર તેને મારી નાખવાની ધમકી આપતો હતો, જેના વિશે શારદાએ તેમને ઘણી વખત ફરિયાદ કરી હતી. બચાવ પક્ષના વકીલે કહ્યું કે, આ આત્મહત્યાનો કેસ છે.

કોર્ટનો ચુકાદો

જોકે, કોર્ટે નોંધ્યું કે મહિલા, જે હલનચલન કરવામાં અસમર્થ હતી, તે આત્મહત્યા કરી ન શકે. કારણ કે, તેની શારીરિક મર્યાદાઓને કારણે જાતે ગળું દબાવવાનું અશક્ય બની ગયું હોત. આરોપીને ગુનેગાર ઠેરવતી વખતે, ન્યાયાધીશે તેના દ્વારા આપવામાં આવેલા ધમકીભર્યા નિવેદનો, મિલકતનો વિવાદ, સંભાળ રાખનાર તરીકેની તેની હતાશા, ઘટના પછીના તેના શંકાસ્પદ વર્તનની નોંધ લીધી જેમાં તેણે ગળું દબાવવાના નિશાનને મંગલસૂત્રના નિશાન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ: પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ હેઠળ SG હાઈવે ઉપર 5 ફુટ ઓવરબ્રિજ બનાવવા આયોજન

આ પણ વાંચોઃ શું હવે રાજ્યસભામાં જશે અરવિંદ કેજરીવાલ? જાણો તેમનું નિવેદન અને રાજકીય નિર્ણયોનો ઈતિહાસ

Back to top button