ટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં સ્થાન મેળવ્યું: સીફર્ટ અને એલને તોડ્યું દક્ષિણ આફ્રિકાનું સપનું

ન્યૂઝીલેન્ડ, 5 માર્ચ 2026:   ટી20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ માર્કો યાનસેનની અડધી સદીની ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 12.5 ઓવરમાં એક વિકેટ ગુમાવી 173 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી. કીવી ટીમ બીજી વખત આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી છે. અગાઉ 2021માં પણ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી હતી.

સીફર્ટ અને એલનની મજબૂત પાર્ટનરશીપ

લક્ષ્યનો પીછો કરતાં ટિમ સીફર્ટ અને ફિન એલને ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ, જે ટી20 વર્લ્ડ કપના નોકઆઉટ મેચોમાં બીજી સૌથી મોટી સદીની ભાગીદારી છે. આ જોડીએ ઇંગ્લેન્ડના ક્રેગ કીસવેટર અને કેવિન પીટરસનની 2010ની 111 રનની પાર્ટનરશીપનો રેકોર્ડ પાછળ છોડી દીધો.

સીર્ફર્ટ 33 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 58 રન બનાવી કાગિસો રબાડાની બોલિંગમાં આઉટ થયા. ત્યારબાદ એલને મોરચો સંભાળ્યો અને માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી, જે ટી20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી પચાસ છે.

એલનનો ઐતિહાસિક સદીનો ધડાકો

ફિન એલન અહીં અટક્યા નહીં. તેમણે માર્કો યાનસેનની બોલ પર ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી અને 33 બોલમાં સદી પૂરી કરી. આ ટી20 વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી ઝડપી સદી છે. એલન 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 100 રન બનાવી અણનમ રહ્યા. રાચિન રવીન્દ્રે 11 બોલમાં 13 રન બનાવી ટીમને સાથ આપ્યો.

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ એલનની સદી ત્રીજી સૌથી ઝડપી છે. તેમના કરતાં ઝડપી સદી તુર્કિયાના મોહમ્મદ ફહાદ (29 બોલ) અને એસ્ટોનિયાના સાહિલ ચૌહાને (27 બોલ) નોંધાવી છે.

દક્ષિણ આફ્રિકા ફરી ‘ચોકર્સ’ સાબિત

ટૂર્નામેન્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાનો પ્રદર્શન મજબૂત રહ્યું હતું. ટીમે ગ્રુપ અને સુપર આઠ તબક્કામાં તમામ મેચ જીતી હતી અને ભારત જેવી દાવેદાર ટીમને પણ હરાવી હતી. તેમ છતાં, મોટા મુકાબલામાં ફરી એકવાર દબાણ ઝેલી શકી નહીં અને ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું. દક્ષિણ આફ્રિકા હજુ સુધી ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ નથી થયું.

શરૂઆતમાં લાગ્યા ઝટકા

બેટિંગ માટે મુશ્કેલ પિચ પર ન્યૂઝીલેન્ડના ઓફ સ્પિનર કોલ મેકકોંચી અને ડાબોડી સ્પિનર રાચિન રવીન્દ્રે દક્ષિણ આફ્રિકાના ટોપ ઓર્ડરને ઝટકા આપ્યા. મેકકોંચીએ એક જ ઓવરમાં ક્વિન્ટન ડી કોક (10) અને રાયન રિકલ્ટન (0)ને આઉટ કર્યા. ડેવાલ્ડ બ્રેવિસે 34 રનની ઇનિંગ્સ રમી, પરંતુ લાંબી પારી રમી શક્યા નહીં. રાચિને એડેન માર્કરમ (18) અને ડેવિડ મિલર (6)ને પેવેલિયન મોકલ્યા.

યાનસેનનો સંઘર્ષ

લડખડાતી ઇનિંગ્સને માર્કો યાનસેને સંભાળી. તેમણે 30 બોલમાં 55 રન બનાવી ટીમને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડી. ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 73 રનની ભાગીદારી કરી. યાનસેને પોતાની ઇનિંગ્સમાં 5 છગ્ગા ફટકાર્યા, જેમાંથી ઘણા લાંબા અંતર સુધી ગયા. છતાં અંતિમ બે ઓવરમાં વિકેટો ગુમાવતાં દક્ષિણ આફ્રિકા 170નો આંક પાર કરી શક્યું નહીં.

ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન સાથે દક્ષિણ આફ્રિકાનું અભિયાન અટકાવી ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી છે. હવે નજર રહેશે કે કીવી ટીમ આ વખતે ખિતાબ જીતવામાં સફળ થાય છે કે નહીં.

આ પણ વાંચો : બિહારમાં BJP નો મુખ્યમંત્રી, JDU ના 2 નાયબ મુખ્યમંત્રી, નીતિશ રાજ્યસભા ગયા શું ફેરફાર થશે?

Back to top button