નેશનલ

POCSO કાયદાના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: વૈવાહિક વિવાદોમાં ખોટી FIR રોકવા દેશવ્યાપી માર્ગદર્શિકા જારી

Supreme Court POCSO Guidelines Custody Disputes: પતિ-પત્ની વચ્ચેના કૌટુંબિક વિવાદો અને બાળકોની કસ્ટડી મેળવવાની કાનૂની લડાઈમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફિન્સ) કાયદાના થઈ રહેલા દુરુપયોગ અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બાળકોના રક્ષણ માટે બનેલા આ કડક કાયદાનો અંગત સ્વાર્થ માટે હથિયાર તરીકે ઉપયોગ થતો અટકાવવા દેશની સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોની પોલીસ અને સ્પેશિયલ પોક્સો અદાલતો માટે આકરી અને ફરજિયાત માર્ગદર્શિકા જારી કરી છે.

બાળકની કસ્ટડી મેળવવા પિતા સામે ખોટો કેસ

આ ચુકાદો એક ગંભીર કિસ્સાની સુનાવણી દરમિયાન આવ્યો છે, જેમાં વૈવાહિક વિવાદ બાદ માતાએ બાળકની કસ્ટડી મેળવવા પિતા વિરુદ્ધ જ ખોટી એફઆઈઆર દાખલ કરી હતી. 2024 માં માતાએ પિતા પર પોતાની જ 9 વર્ષની પુત્રીનું જાતીય શોષણ કરવાનો સંગીન આરોપ લગાવ્યો હતો. જોકે, સીબીઆઈ (CBI) ની તટસ્થ તપાસમાં સાબિત થયું હતું કે માતાએ બાળકનો કબજો મેળવવા માટે જ આ કાવતરું રચ્યું હતું. આ ખુલાસા બાદ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે બાળકીની કસ્ટડી પિતાને સોંપવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટની આકરી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આકરા શબ્દોમાં નોંધ્યું હતું કે પતિ-પત્ની એકબીજા સામે કાનૂની વિજય મેળવવા અને લાભ ખાટવા માટે બાળ જાતીય શોષણ જેવા અત્યંત ગંભીર આરોપો લગાવતાં પણ ખચકાતા નથી. ગુસ્સા અને અહંકારમાં અંધ થઈને તથા ખોટી સલાહ આપનારા તત્વોના પ્રભાવ હેઠળ આવીને માતા-પિતા આવાં પગલાં ભરે છે. આના કારણે નિર્દોષ વ્યક્તિને સામાજિક રીતે ભારે અપમાનિત થવું પડે છે અને તેની કારકિર્દી તેમજ સન્માનને ક્યારેય ન પુરાય તેવું નુકસાન થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલી 4 કડક માર્ગદર્શિકા

આવા ખોટા કેસો પર અંકુશ લાવવા માટે સર્વોચ્ચ અદાલતે દેશભરના પોલીસ તંત્ર અને પોક્સો કોર્ટ માટે નીચે મુજબના આદેશો જારી કર્યા છે:
આડેધડ ધરપકડ પર રોક: કૌટુંબિક વિવાદો દરમિયાન નોંધાતા પોક્સો કેસોમાં પોલીસ હવેથી આરોપીની તાત્કાલિક કે રૂટિન ધરપકડ કરી શકશે નહીં. ગુનાના પૂરતા અને નક્કર પુરાવા હોય તો જ આગળની કાર્યવાહી થશે.
બાળ મનોવૈજ્ઞાનિકનું નિષ્ણાત મૂલ્યાંકન: કોઈ પણ ધરપકડ પહેલાં પોલીસે બાળ મનોચિકિત્સક કે સાયકોલોજિસ્ટ પાસે બાળકની સ્વતંત્ર તપાસ કરાવવી પડશે. આ માટે ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) ની મદદ લેવાની રહેશે.
અહેવાલ વગર કાર્યવાહી નહીં: તપાસ અધિકારીએ બાળ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતના રિપોર્ટ અને અન્ય સાક્ષીઓને ધ્યાનમાં લીધા બાદ જ નિર્ણાયક પગલું ભરવાનું રહેશે.
અદાલતો માટે કડક સૂચના: જો કોઈ માતા-પિતા BNSS ની કલમ 33 હેઠળ સીધા કોર્ટમાં પહોંચે, તો જજ પણ બાળકની મનોવૈજ્ઞાનિક તપાસ કરાવ્યા વગર આરોપીને સમન્સ પાઠવી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટે પોતાની રજિસ્ટ્રીને આ નિર્ણયની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને હાઈકોર્ટને તાત્કાલિક મોકલવાનો નિર્દેશ આપ્યો છે, જેથી આ માર્ગદર્શિકા દેશના દરેક પોલીસ સ્ટેશન અને ફેમિલી કોર્ટ સુધી પહોંચી શકે.

આ પણ વાંચો: આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવતાં એર ઈન્ડિયાનો કો-પાઈલટ સસ્પેન્ડ

Back to top button