ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

સરકાર જમીન આપે, BCCI સ્ટેડિયમ બનાવે, તો Sports Governance Actથી બહાર કેમ? સુપ્રીમનો સવાલ

Supreme Court BCCI: ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી રહી. હજારો કરોડનો વ્યવસાય, લાખો દર્શકો, વિશાળ સ્ટેડિયમ, જમીન, રોડ-મેટ્રો જેવી કનેક્ટિવિટી અને મોટા પ્રમાણમાં સરકારી વ્યવસ્થાઓ તેની સાથે જોડાયેલી છે. આ બધાની વચ્ચે હવે એક મહત્ત્વનો સવાલ ફરી ઊભો થયો છે—જ્યારે રાજ્ય સરકારો ક્રિકેટના મોટા પ્રોજેક્ટ માટે જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવે છે, ત્યારે BCCI અને તેની રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને National Sports Governance Act, 2025 હેઠળ કેમ ન લાવવામાં આવે?

8 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે BCCI અને તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને પૂછ્યું છે કે તેમને National Sports Governance Act, 2025 હેઠળ કેમ ન લાવવામાં આવે? ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે BCCI તથા રાજ્ય એસોસિએશનોના વકીલોને આ મુદ્દે સૂચનાઓ લઈને જવાબ આપવા કહ્યું છે. કોર્ટે તેમના પદાધિકારીઓની સેવા અને કાર્યકાળ સંબંધિત શરતો પણ આ કાયદા હેઠળ કેમ ન આવે તે અંગે પ્રશ્ન કર્યો છે.

 હૈદરાબાદમાં 100 એકરનું મેગા સ્ટેડિયમ

તેલંગાણાના ભારત ફ્યુચર સિટીમાં લગભગ 100 એકરમાં વિશાળ ક્રિકેટ અને મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ ફેસિલિટી બનાવવાની યોજના છે. તેની બેઠક ક્ષમતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આશરે 1.32 લાખ બેઠક ક્ષમતાથી પણ વધુ રાખવાની યોજના છે. અધિકારીક સૂત્રોનું કહેવું છે કે જરૂરી જમીન તેલંગાણા સરકાર ઉપલબ્ધ કરાવશે, જ્યારે સ્ટેડિયમના કન્સ્ટ્રક્શન અને મેઈન્ટેનન્સનો ખર્ચ BCCI ઉઠાવે તેવા મોડલ પર ચર્ચા ચાલી રહી છે. BCCI અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત સંચાલનના વિકલ્પ પર પણ કામ થઈ રહ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

તેલંગાણા સરકારના લાંબા ગાળાના Bharat Future City પ્લાનમાં પણ 100 એકરના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારને સ્પોર્ટ્સ, પર્યટન, મનોરંજન અને નેટ-ઝીરો સિટીના મોટા પ્રોજેક્ટ સાથે વિકસાવવાની યોજના છે. સ્ટેડિયમની આસપાસ રિંગ રોડ, પ્રસ્તાવિત રિજનલ રિંગ રોડ, મેટ્રો એક્સટેન્શન એને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી કનેક્ટિવિટી પણ પ્રોજેક્ટ માટે મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે. અહીં જમીન સરકારની તરફથી, ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી ક્રિકેટ બોડીની ભૂમિકા અને આસપાસ શહેરનું મોટું જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચર્ચાનો વિષય બન્યું છે.

વારાણસીમાં પણ સરકારે જમીન માટે ખર્ચ્યા ₹121 કરોડ

હૈદરાબાદ એકલું ઉદાહરણ નથી. 23 સપ્ટેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના ગંજારી વિસ્તારમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કર્યું હતું કે સ્ટેડિયમ માટે જમીન ખરીદવા લગભગ ₹121 કરોડ ખર્ચવામાં આવ્યા છે, જ્યારે સ્ટેડિયમના નિર્માણ પાછળ આશરે ₹330 કરોડ ખર્ચ થવાનો છે. તે વખતે જણાવાયું હતું કે નિર્માણનો ખર્ચ BCCI તરફથી કરવામાં આવશે.

વારાણસીના સત્તાવાર કાશી પોર્ટલ પર ઉપલબ્ધ હાલની વિગતો મુજબ પ્રોજેક્ટ માટે લગભગ 30.60 એકર જમીન ઉત્તર પ્રદેશ સરકારે ₹121 કરોડમાં હસ્તગત કરી છે. આ જમીન લાંબા ગાળાની લીઝ પર Uttar Pradesh Cricket Associationને આપવાની યોજના છે. સત્તાવાર પોર્ટલ અનુસાર અંદાજે ₹330 કરોડના સ્ટેડિયમનું ફાઈનાન્સિંગ યુપીસીએ દ્વારા BCCIના સહયોગથી થવાનું છે.

BCCI RTIની કલમ હેઠળ આવતી નથી

મે 2026માં સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને બીસીસીઆઈને આરટીઆઈ એક્ટની કલમ 2(h) હેઠળ Public Authority માનવાનો ઇનકાર કર્યો હતો. CICએ કહ્યું હતું કે BCCI સરકારની માલિકીની, સરકાર દ્વારા નિયંત્રિત અથવા સરકાર દ્વારા ફાઈનાન્સ કરાતી સંસ્થા નથી. તેથી હાલમાં BCCIને સીધી RTI અરજીનો જવાબ આપવાની સામાન્ય કાનૂની ફરજ નથી. રસપ્રદ રીતે જે RTI કેસમાં આ ચુકાદો આવ્યો હતો તેમાં અરજદારે એવો સવાલ પણ કર્યો હતો કે સરકાર BCCI જેવી ખાનગી સંસ્થાને સ્ટેડિયમ, સુરક્ષા અને અન્ય ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શા માટે ઉપલબ્ધ કરાવે છે.

National Sports Governance Act શું કહે છે?

National Sports Governance Act, 2025 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. આ કાયદાનો હેતુ દેશની રમત સંસ્થાઓના ગવર્નન્સ ઈલેક્શન એથિક્સ, એથલેટ્સનું રિપ્રેઝન્ટેશન અને ઝધડાઓના નિવારણ માટે એક માળખું ઊભું કરવાનો છે. કાયદા મુજબ જો કોઈ જાણીતું સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ થવા અન્ય નાણાકીય સહાય મેળવે તો તે એ સહાયના ઉપયોગ પૂરતી RTI Act હેઠળ પબ્લિક ઓથોરિટી ગણાશે.

હવે સુપ્રીમ કોર્ટનો સવાલ કેમ મહત્વનો?

સુપ્રીમ કોર્ટ 2014થી BCCIના governance સંબંધિત કેસો સાથે જોડાયેલી છે. અગાઉ જસ્ટિસ આર.એમ. લોઢા સમિતિની ભલામણો બાદ BCCIના બંધારણ, ચૂંટણી, પદાધિકારીઓના કાર્યકાળ અને કુલિંગ ઓફ પિરિયડ સહિત અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ અમલમાં આવી ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટનો મૂળ સવાલ એવો છે કે ક્રિકેટ માટે અલગ ગવર્નન્સ વ્યવસ્થા શા માટે ચાલુ રહે?

ખાસ કરીને જ્યારે અન્ય રમત સંસ્થાઓને નવા રાષ્ટ્રીય કાયદા મુજબ સરકારના ધારાધોરણનું પાલન કરવાનું હોય, ત્યારે દેશનું સૌથી શક્તિશાળી અને આર્થિક રીતે સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ તથા તેની સ્ટેટ એસોસિએશન કયા માળખામાં આવશે એ મોટો મુદ્દો બની રહ્યો છે.

અમદાવાદથી હૈદરાબાદ સુધી વધતી સ્ટેડિયમ રેસ

હૈદરાબાદનું પ્રસ્તાવિત સ્ટેડિયમ માત્ર નવી રમતગમત સુવિધા નહીં, પરંતુ દેશના સ્ટેડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બદલાતી તસવીર પણ બતાવે છે. હાલ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લગભગ 1.32 લાખ બેઠક ક્ષમતાની સાથે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાય છે. હવે હૈદરાબાદમાં તેનાથી વધારે ક્ષમતાનું મેગા સ્ટેડિયમ બનાવવાની યોજના છે. વારાણસીમાં સરકાર દ્વારા જમીન ખરીદી અને ક્રિકેટ એસોસિએશન સાથેના મોડલ પર સ્ટેડિયમ ઊભું થઈ રહ્યું છે. હૈદરાબાદમાં સરકાર જમીન ઉપલબ્ધ કરાવે અને BCCI construction-maintenance સંભાળે તેવા મોડલની ચર્ચા છે. આવા પ્રોજેક્ટ વિકાસ, રોજગાર, પર્યટન અને રમતગમત માટે મોટા અવસર ઊભા કરી શકે છે. પરંતુ સાથે એક બીજો સવાલ પણ ઊભો થાય છે કે જ્યાં જાહેર સંસાધનો અને ખાનગી ક્રિકેટ સંસ્થાઓ એક જ પ્રોજેક્ટમાં મળે, ત્યાં જાહેર જવાબદારી કેટલી હોવી જોઈએ? સુપ્રીમ કોર્ટના 8 સપ્ટેમ્બર 2026ના સવાલ પછી હવે આ ચર્ચા માત્ર સ્ટેડિયમ સુધી મર્યાદિત રહી નથી. મુદ્દો હવે ભારતીય ક્રિકેટના આખા ગવર્નન્સ મોડલનો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સુપ્રીમના ચૂકાદા બાગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ ચર્ચામાં

પીઆઈબીની 24 ફેબ્રુઆરી 2021ની રિલીઝ મુજબ, અમદાવાદમાં 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવાની યોજના હતી. તેમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિય , સ્પોર્ટ્સ એન્કલેવ અને નારણપુરાનું 18 એકરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતનું મોટું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોડાયેલું હતું. PIBમાં અમિત શાહના નિવેદન મુજબ આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹4,600 કરોડ હતો, જેમાં ₹3,200 કરોડ સરકારી રોકાણ અને ₹1,400 કરોડ પબ્લિક પાર્ટનરશિપનો ઉલ્લેખ છે.

આ જ સત્તાવાર રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકોની ક્ષમતા છે, સ્પોર્ટ્સ એન્કલેવ પણ 233 એકરમાં બનવાનું છે અને BRTS, Metro તથા Riverfront extension જેવી જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પણ આ વિસ્તાર સાથે જોડાવાની હતી.

આ પણ વાંચોઃ ક્રૂડ ફરી $120 સુધી જશે? Goldman Sachsની ચેતવણીથી શેરબજારમાં વધ્યું ટેન્શન, ભારત માટે કેમ મોટો ખતરો?
Back to top button