ટ્રેન્ડિંગબિઝનેસ

અકાસા એરનો પાઇલટો માટે મોટો નિર્ણય, પાઇલટોના પગારમાં 20% સુધી વધારો

Salary Hike:   એવિએશન ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરી રહેલી અકાસા એર (Akasa Air) એ પોતાના પાઇલટો માટે પગાર અને રજાઓને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. એરલાઇન પાઇલટોના પગારમાં 20 ટકા સુધીનો વધારો કરવાની સાથે દર મહિને મિનિમમ ગેરંટીડ ફ્લાઇંગ અવર્સ (Guaranteed Flying Hours) વધારશે. આ ઉપરાંત, પાઇલટોને હવે વર્ષે ઓછામાં ઓછા 42 દિવસની રજા પણ મળશે. નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.

પગાર અને ફ્લાઇંગ અવર્સમાં વધારો

મળતી માહિતી મુજબ, અકાસા એર પાઇલટોના નિશ્ચિત પગાર (Fixed Salary) અને કલાકના આધારે મળતા વળતરમાં વધારો કરશે. આ વધારો મહત્તમ 20 ટકા સુધી હોઈ શકે છે. સાથે જ દર મહિને લઘુત્તમ ગેરંટીડ ફ્લાઇંગ અવર્સ વધારીને 50 કલાક કરવામાં આવશે.

ગેરંટીડ ફ્લાઇંગ અવર્સનો અર્થ એ છે કે પાઇલટને નક્કી કરેલા કલાકો માટે લઘુત્તમ ચુકવણીની ખાતરી મળશે. વાસ્તવમાં તેણે તેનાથી ઓછા કલાક ઉડાન ભરી હોય તો પણ આ નિર્ધારિત ચુકવણીનો લાભ મળી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વર્ષે 42 દિવસની રજા, કામના નવા વિકલ્પો

એરલાઇને પાઇલટો માટે લઘુત્તમ વાર્ષિક રજા વધારીને 42 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. પાઇલટો પોતાની પસંદગી અને કામની જરૂરિયાત મુજબ વધુ રજાઓ મળી શકે તેવા વિકલ્પો પણ પસંદ કરી શકશે.

કંપનીએ ’25/9′ અને ‘6-2-6-3′ જેવા વર્ક પેટર્ન (Work Patterns) પણ રજૂ કર્યા છે. ’25/9’ પદ્ધતિમાં 25 દિવસ કામ કર્યા બાદ 9 દિવસની રજા મળશે. જ્યારે ‘6-2-6-3’ પેટર્નમાં 6 દિવસ કામ, 2 દિવસ રજા, ત્યારબાદ ફરી 6 દિવસ કામ અને 3 દિવસની રજાનો સમાવેશ થાય છે.

લાંબા સમય સુધી જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહન

પગારવધારા અને રજાઓ ઉપરાંત પાઇલટોને લોયલ્ટી રિવોર્ડ (Loyalty Rewards) અને અગાઉ જાહેર કરાયેલી લોંગ-ટર્મ ઇન્સેન્ટિવ યોજના (Long-Term Incentive Plan – LTIP)નો લાભ પણ મળશે. આ પગલાંથી પાઇલટોને કંપની સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેવા પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

45 વિમાનો સાથે નેટવર્કના વિસ્તરણની તૈયારી

ઓગસ્ટ 2022માં કામગીરી શરૂ કરનાર અકાસા એર પાસે હાલમાં 45 બોઇંગ 737 મેક્સ (Boeing 737 MAX) વિમાનોનો કાફલો છે અને 800થી વધુ પાઇલટો કાર્યરત છે. એરલાઇન નવા વિમાનો અને નવા રૂટ ઉમેરવાની દિશામાં પણ કામ કરી રહી છે.

આ ઉપરાંત, કોચી અને કોલકાતામાં પાઇલટો માટે નવા બેઝ શરૂ કરવાની યોજના છે. હાલમાં મુંબઈ અને બેંગલુરુ તેના મુખ્ય બેઝ છે. એરલાઇનના આ નિર્ણયથી પાઇલટોને આર્થિક લાભની સાથે કામ અને અંગત જીવન વચ્ચે વધુ સારું સંતુલન જાળવવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો : હીરાસર એરપોર્ટ પર આગથી ફ્લાઇટ ડાયવર્ટ, 100 મુસાફરોના જીવ અધ્ધર

Back to top button