કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહિલાની હત્યા કરી બચી ન શક્યો ફૈઝલ! 31 દિવસમાં જ આજીવન કેદ

Murder Life Imprisonment  :    ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પર મહિલાની ઘાતકી હત્યાના કેસમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હત્યાના માત્ર 31 દિવસમાં જ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીક લાખાણીને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવી છે. ઝડપી તપાસ અને ટ્રાયલના કારણે મૃતક મહિલાને ટૂંકા સમયમાં ન્યાય મળ્યો છે.

એસ.ટી. બસ સ્ટેન્ડ પર જાહેરમાં કરી હતી મહિલાની હત્યા

મૂળ વરતેજનો yઅને ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતો ફૈઝલ ઉર્ફે ખાટકી રફીક લાખાણી જેલમાંથી બહાર આવ્યા બાદ કાજલ દિલીપ બારૈયા સાથે રહેતો હતો. આરોપીને કાજલબેનના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા હતી. આ શંકાના આધારે 3 સપ્ટેમ્બરના રોજ આરોપી ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડના પબ્લિક એન્ટ્રી ગેટ પાસે પહોંચ્યો હતો. અહીં તેણે કાજલબેન પર આડેધડ હુમલો કર્યો હતો. ઢીકાપાટુ મારવા ઉપરાંત મહિલાના વાળ પકડી દિવાલ અને ટાઇલ્સ સાથે માથું અથડાવ્યું હતું. માથા, ગળા અને પડખાના ભાગે ગંભીર માર મારતાં કાજલબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

SITની રચના, એક મહિનામાં ચાર્જશીટ રજૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીએ એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ તપાસ ઝડપી બનાવવા સૂચના આપી હતી. ડીવાયએસપી આર.આર. સિંઘાલના સુપરવિઝન હેઠળ નિલમબાગ પોલીસના પીઆઈ ડી.પી. ઉનડકટ સહિતના અધિકારીઓની SIT રચવામાં આવી હતી. સર્વેલન્સ ટીમને પણ તપાસમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

પોલીસે CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો, મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા સાહેદોના નિવેદનો અને ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કર્યા હતા. સર ટી. હોસ્પિટલના તબીબે પોસ્ટમોર્ટમ કરીને મૃત્યુનું ચોક્કસ કારણ આપ્યું હતું. તપાસ પૂર્ણ કરીને પોલીસે એક મહિનાની અંદર મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

50 દસ્તાવેજી પુરાવા અને સાહેદોની જુબાનીથી આરોપીને સજા

ભાવનગરના પ્રિન્સિપાલ સેશન્સ જજ રિઝવાનાબેન બુખારીની અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ તરીકે ધારાશાસ્ત્રી ઉત્પલ દવેની નિમણૂક કરી હતી. સ્પેશિયલ સરકારી વકીલની કાનૂની દલીલો, સાહેદો અને પંચોની જુબાની તેમજ આશરે 50 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને અદાલતે ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સાક્ષીનું અપહરણ કર્યું

મહિલાની હત્યા કર્યા બાદ આરોપીએ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને કેસના મહત્વના સાક્ષીઓને કોર્ટમાં જુબાની આપતા અટકાવવા માટે તેમનું અપહરણ કર્યું હતું. સાક્ષીઓને ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસમાં આરોપી સામે અલગ ગુનો નોંધાયો છે.

પોલીસે સાક્ષીઓને સુરક્ષા સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપી સામે અગાઉ પણ પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ભાવનગર જિલ્લામાં હત્યાના કેસમાં માત્ર 31 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ, ફોરેન્સિક વિભાગ અને ન્યાયતંત્રની સંકલિત કામગીરીને કારણે કેસમાં ઝડપી ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો : PoKમાં પાકિસ્તાની સેનાની કાર્યવાહીથી હિંસા ભડકી, 18નાં મોતનો દાવો

Back to top button