ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એન. રંગાસામીએ પાંચમી વખત સંભાળી પુડુચેરીની કમાન, CM પદની લીધી શપથ

Puducherry CM: ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ (AINRC) ના વડા એન. રંગાસામીએ આજે, 13 મેના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથને તેમને રાજભવન ખાતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

AINRCએ 12 બેઠકો જીતી

આ પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે રંગાસામીનો પાંચમો કાર્યકાળ છે. 9 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AINRCએ 16 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 12 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે તેના ગઠબંધન સાથી ભાજપે 10 બેઠકો પર ચૂંટણી લડીને 4 બેઠકો જીતી હતી. AIADMK અને લચિત જનનયાગા કાચીએ એક-એક બેઠક જીતી હતી, જેના કારણે 30 સભ્યોની વિધાનસભામાં NDAની કુલ સંખ્યા 18 થઈ ગઈ છે. પુડુચેરીમાં ફરી એકવાર ગઠબંધન સરકાર બની છે.

એન. રંગાસામીના નેતૃત્વની સફર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી શરૂ થઈ હતી, જ્યાં તેમણે 2001થી 2006 અને ત્યારબાદ 2006થી 2008 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જોકે, 2011માં કોંગ્રેસથી અલગ થઈ તેમણે પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ (AINRC) બનાવી અને એ જ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો ચોથો કાર્યકાળ ગઠબંધનની રાજનીતિ અને કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ પર કેન્દ્રિત રહ્યો હતો, અને હવે 2026ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતે તેમના પાંચમા કાર્યકાળનો માર્ગ મોકળો કર્યો છે.

પાછલી ચૂંટણીનું રાજકીય સમીકરણ

2021ની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો એન. રંગાસામીના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી કોંગ્રેસને સત્તાથી બહાર કરી દીધી હતી. કુલ 30 બેઠકો ધરાવતી વિધાનસભામાં NDAએ 16 બેઠકો જીતી, જેમાં રંગાસામીની પાર્ટી AINRCએ સૌથી વધુ 10 બેઠકો જીતી, જ્યારે ભાજપે 6 બેઠકો પર કબજો કર્યો હતો. બીજી તરફ, તે સમયના સત્તાધારી કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન (SDA)ને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ માત્ર 8 બેઠકો (DMK-6, કોંગ્રેસ-2) સુધી સીમિત રહી ગયા હતા. ઉપરાંત, 6 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી પોતાની તાકાત દર્શાવી હતી.

આ પણ વાંચો: પંજાબના CM ભગવંત માનના ઘર, ભાજપ મુખ્યાલય સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એલર્ટ મોડમાં

Back to top button