મધ્યપ્રદેશ: નસબંધી ઓપરેશન બાદ મહિલાનું મોત, અંતિમ સંસ્કારની રાખમાંથી મળી સર્જિકલ કાતર!

મધ્ય પ્રદેશ: 21 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના સીહોર જિલ્લામાંથી તબીબી જગતને હચમચાવી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાના નસબંધી ઓપરેશન બાદ તેનું મોત નીપજ્યું હતું, પરંતુ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે અંતિમ સંસ્કાર બાદ મહિલાની રાખમાંથી લોખંડની ‘સર્જિકલ કાતર’ મળી આવી. પરિજનોનો આરોપ છે કે ડૉક્ટરોની બેદરકારીને કારણે ઓપરેશન વખતે કાતર પેટમાં જ રહી ગઈ હતી, જે તેના મોતનું કારણ બની છે.
શું છે સમગ્ર મામલો?
સીહોર જિલ્લાના ભેરુંદા વિસ્તારના સિંહપુર ગામમાં રહેતી એક મહિલાએ ગત 12 જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલમાં નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ તેને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ બીજા જ દિવસે તેની તબિયત લથડી હતી. તેને તાત્કાલિક સીહોર અને ત્યારબાદ ગંભીર હાલતમાં ભોપાલ રિફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
રાખમાંથી મળી કાતર, સર્જાયો હોબાળો
મહિલાના મૃત્યુ બાદ જ્યારે પરિવારે શ્મશાનમાં જઈને અસ્થિઓ અને રાખ એકત્રિત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમાં સળગેલી હાલતમાં એક સર્જિકલ કાતર મળી આવી હતી. આ જોઈને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ બેદરકારી દાખવી કાતર પેટમાં જ છોડી દીધી હતી. આ કાતરને કારણે શરીરમાં ચેપ (Infection) ફેલાયો અને મહિલાનું મોત થયું. તેથી, જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
તંત્રનો બચાવ અને તપાસના આદેશ
મામલો ગરમાતા સ્વાસ્થ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે ઓપરેશન કરનાર મહિલા ડૉક્ટરની બદલી કરી દેવામાં આવી છે. બીજી તરફ, BMO ડૉ. પ્રફુલ્લ કુમારે જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે નસબંધીના ઓપરેશનમાં કાતરનો ઉપયોગ થતો નથી. રાખમાંથી મળેલી કાતર ક્યાંથી આવી તે તપાસનો વિષય છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.”











