પૈસા અને રેલવેની નોકરીની લાલચમાં સાસુ બની ‘કસાઈ’: પુત્રવધૂની હત્યા કરી લાશ પુલ પાસે ફેંકી દીધી

મહારાષ્ટ્ર: 4 જાન્યુઆરી, 2026: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રેલવેની નોકરી અને ગ્રેચ્યુઈટીના પૈસાના વિવાદમાં 60 વર્ષીય સાસુએ પોતાની જ 35 વર્ષીય પુત્રવધૂની નિર્મમ હત્યા કરી નાખી છે. પોલીસે આ મામલે સાસુ અને તેના એક મિત્રની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર વિવાદ?
આરોપી મહિલા લતાબાઈ નાથા ગાંગુર્ડેનો પુત્ર વિલાસ રેલવે કર્મચારી હતો, જેનું સપ્ટેમ્બર 2025માં અવસાન થયું હતું. પુત્રના મોત બાદ મળેલા 9 થી 10 લાખ રૂપિયાના ગ્રેચ્યુઈટી ફંડ પર લતાબાઈનો ડોળો હતો. આ ઉપરાંત, લતાબાઈ ઈચ્છતી હતી કે તેના 15 વર્ષના પૌત્રને અનુકંપાના ધોરણે રેલવેમાં નોકરી મળે, જ્યારે તેની પુત્રવધૂ રૂપાલીએ પોતે આ નોકરી માટે અરજી કરી હતી. આ પૈસા અને નોકરીના વિવાદે હિંસક વળાંક લીધો હતો.
કાવતરું અને હત્યા:
પોલીસના જણાવ્યા અનુસાર, લતાબાઈએ તેના ૬૭ વર્ષીય મિત્ર જગદીશ મહાદેવ મ્હાત્રે સાથે મળીને રૂપાલીને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. બંનેએ લોખંડના સળિયા વડે રૂપાલીના માથા અને ચહેરા પર ગંભીર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. પુરાવા મિટાવવા માટે લોહીના ડાઘ સાફ કર્યા, મૃતકના કપડાં બદલી નાખ્યા અને લાશને કલ્યાણના વાલધુની પુલ પાસે ફેંકી દીધી.
પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
નવા વર્ષના પહેલા દિવસે પોલીસને લાશ મળી હતી. ત્યારબાદ લતાબાઈએ પોતે જ પોલીસ સ્ટેશન જઈને પુત્રવધૂ ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી અને લાશની ઓળખ કરી નાટક કર્યું હતું. જોકે, ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં તેની વાર્તામાં વિરોધાભાસ જણાતા સત્ય બહાર આવ્યું હતું.
પોલીસ કાર્યવાહી:
કલ્યાણ ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કલ્યાણજી ગેટેએ જણાવ્યું કે, “આ લોભ અને લાલચમાં કરવામાં આવેલો જઘન્ય ગુનો હતો. અમારી ટીમે ૨૪ કલાકની અંદર કેસ ઉકેલી કાઢ્યો છે.” પોલીસે બંને આરોપીઓની હત્યા અને પુરાવા મિટાવવાના આરોપસર ધરપકડ કરી છે.












