અમદાવાદના બોપલમાં ‘સ્માર્ટ’ તંત્રની પોલ ખુલ્લી, 72 કલાકે ઉતરેલા પાણી ફરી ભરાયા

અમદાવાદ: મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે સાઉથ બોપલ અને બોપલ ગામના રહીશોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ગુરુવારે પડેલા વરસાદના પાણી માંડ 72 કલાકે ઓસર્યા હતા, ત્યાં જ આજે સવારે પડેલા ધોધમાર વરસાદે બોપલ ગામમાં ફરીથી જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. ગામમાં ફરી એકવાર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકો ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે.
આજે એ જ જગ્યા પર ફરી ‘જેસે થે’ જેવી સ્થિતિ
ગઈકાલે જ સ્થાનિક રહીશોએ સ્થળ પર મુલાકાતે આવેલા અમદાવાદના મેયર હિતેશ બારોટને ઘેરીને ભારે રોષ ઠાલવ્યો હતો. જોકે તંત્રની ઢીલી નીતિના કારણે આજે એ જ જગ્યા પર ફરી ‘જેસે થે’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પાણીનો નિકાલ ધીમી ગતિએ
પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા બે ડી-વોટરિંગ વાન મૂકીને પમ્પિંગ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ પાણીનો જથ્થો એટલો વધારે છે કે નિકાલ અત્યંત ધીમી ગતિએ થઈ રહ્યો છે.
ખાવા-પીવાની ચીજો પણ મળતી નથી
સ્થાનિકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પાણી ભરાવાને કારણે અમારું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. દૂધ, શાકભાજી કે ખાવા-પીવાની જીવનજરૂરી વસ્તુઓ પણ મેળવવી મુશ્કેલ બની છે. દર ચોમાસે આ જ હાલત થતી હોવાથી હવે તો અમે જાણે ચોમાસા પૂરતી નાવડી જ વસાવી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે.”
તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇન અને નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: વિરમગામમાં ભારે વરસાદથી પૂર જેવા દ્રશ્યો: ટ્રેક્ટર સાથે ભારે વહેણમાં યુવક તણાયો












