ગુજરાતમાં મેઘતાંડવ યથાવતઃ સાંતલપુરમાં રેસ્ક્યૂ, ઊંઝામાં ઝાડ પડતાં મહિલાનું મોત

Meghtandav continues in Gujarat: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. વરસાદના કારણે માર્ગો બંધ થવા, પાણી ભરાવા અને બચાવ કામગીરી તેજ બનતા તંત્ર એલર્ટ મોડમાં છે.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ટ્રાફિક ડાયવર્ઝન
ભારે વરસાદના કારણે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર પાણી ભરાતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ બંધ કરાયો છે. ગેલોપ્સ પાર્ક નજીક પૂરનાં પાણીમાં ફસાયેલા લગભગ 900 લોકોને SDRF અને પોલીસની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વાહનચાલકો માટે ધોલેરા એક્સપ્રેસ હાઇવે મારફતે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રાજ્યભરમાં બચાવ અને સ્થળાંતરની કામગીરી
વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અત્યાર સુધીમાં 40,500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સુરત, નવસારી અને અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં જાનહાનિના બનાવો પણ સામે આવ્યા છે.
વિરપુર કાર દુર્ઘટનામાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો
વિરપુર નજીક ધસમસતા પાણીમાં તણાયેલી ઇલેક્ટ્રિક કારના બનાવમાં 26 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ 70 વર્ષીય ભીખાભાઈ ડોબરિયાનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સાંતલપુરમાં પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યૂ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા-દહીસર માર્ગ પર આવેલા કોઝવે પર ભારે પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા એક કારમાં સવાર આઠ લોકોને સ્થાનિક તંત્ર અને બચાવ ટીમોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ દરમિયાન પાણીમાં પસાર થતી એક ટ્રક પણ પલટી જતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઊંઝામાં ઝાડ પડતાં મહિલાનું મોત
મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભારે પવન અને વરસાદ વચ્ચે ઊમિયાનગર વિસ્તારમાં એક ખીજડાનું ઝાડ ઝૂંપડાં પર ધરાશાયી થતાં રસોઈ બનાવી રહેલી 38 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ધોળીધજા ડેમ છલકાયો, એલર્ટ જાહેર
સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નીચાણવાળા ગામોના લોકોને નદી કાંઠે ન જવા અને માલમિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે.
નવસારીમાં પૂર બાદ હાઇલેવલ બેઠક
નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને સ્થાનિક સાંસદે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત, આરોગ્ય સેવાઓ, રોગચાળો અટકાવવા અને ખેડૂતોને સહાય પહોંચાડવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર, SDRF, NDRF અને અન્ય બચાવ દળોને સતત સતર્ક રાખવામાં આવ્યા છે. નાગરિકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.












