અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ

Gujarat Weather Update | અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજાએ બીજા દિવસે પણ સટાસટી બોલાવી છે, જેનાથી સમગ્ર પંથકનું વાતાવરણ અચાનક પલટાઈ ગયું છે. વડિયા તાલુકામાં કાળાડિબાંગ વાદળો અને તોફાની પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે બગસરાના મોટા મુંજયાસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત બીજા દિવસે વરસેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને ખેતીના પાકને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે ચોમાસા જેવો અહેસાસ કરાવતા આ વરસાદે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દીધું છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં બગસરા, વડિયા અને બાબરા પંથકમાં તોફાની પવન સાથે અનરાધાર વરસાદ ખાબક્યો છે. બાબરા પંથકમાં કુદરતી કહેર જેવો વરસાદ વરસતા કોટડા પીઠા ગામની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ચમારડી, ચરખા, ઉંટવડ અને ઘુઘરાળા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી હતી. સતત વરસી રહેલા આ કમોસમી વરસાદને કારણે લાઠી અને દામનગર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે પવનના સુસવાટા સાથે પડેલા વરસાદે અનેક સ્થળોએ વૃક્ષોને જમીનદોસ્ત કરી દીધા છે, જેના કારણે વાહનવ્યવહારમાં પણ અવરોધ ઊભો થયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવતા હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યભરમાં માવઠાની ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. આજે ૨૦ થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા છે, જેમાં ચાર જિલ્લાઓને ‘ઓરેન્જ એલર્ટ’ અને છ જિલ્લાઓને ‘યલો એલર્ટ’ હેઠળ રાખવામાં આવ્યા છે. બનાસકાંઠાથી લઈને છેક દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને વલસાડ સુધી માવઠાનો ખતરો મંડાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ખેતીના પાકને થનારા નુકસાનને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.
આ પણ વાંચો :“હું ગરીબ છું પણ ગુલામ નથી”: ખજૂર ભાઈથી અલગ થયા બાદ લાલાનો રોષ












