ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા હવે મેન્યુઅલ ખોદકામ કરાશે

  • ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મેન્યુઅલ ખોદકામ શરૂ થઈ શકે છે, દિલ્હીથી પહોંચી સાત ટીમ ઘટના સ્થળે
  • PMOના અધિકારીઓ પણ પહોંચ્યા ઘટના સ્થળે, કેન્દ્રીય પ્રધાન જનરલ વીકે સિંહે ટનલ જોડે આવેલા મંદિરમાં વહેલી સવારે કરી પૂજા

ઉત્તરકાશી, 27 નવેમ્બર: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, છતાં કામદારો સુધી પહોંચવામાં કોઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેના કારણે કામદારો સુધી પહોંચવામાં આજે 16 દિવસ થઈ ગયા છે. હવે પરિવારના સભ્યોના ચહેરા પર પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવે સિલ્ક્યારા ટનલમાં 16 દિવસથી ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સોમવાર (27 નવેમ્બર) થી મેન્યુઅલ ખોદકામ શરૂ થઈ શકે છે. આ ખોદકામ તે બાજુથી કરવામાં આવશે જ્યાં 48 મીટરની પાઇપ ટનલ બનાવ્યા બાદ ઓગર મશીન તૂટી ગયું હતું.

મેન્યુઅલ ખોદકામથી ટીમ મંગળવારે કામદારો સુધી પહોંચી શકે છે..

ટનલમાં આજે 6 લોકોની એક ટીમને પાવડા, કોદાળી સાથે અંદર મોકલવામાં આવશે, જેઓ ટનલમાં કામદારો સુધી પહોંચવામાં બાકી રહેલું લગભગ 10 મીટર જેટલું મેન્યુઅલ ખોદકામ હાથ ધરશે. જો બધું યોજના મુજબ ચાલશે, તો બચાવ ટીમ મંગળવારે કામદારો સુધી પહોંચી શકે છે. નિષ્ણાતો કહે છે કે લગભગ 10 મીટર મેન્યુઅલ ખોદવામાં 25 થી 30 કલાકનો સમય લાગી શકે છે.

 

રાહત અને બચાવ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસર ડૉ. નીરજ ખૈરવાલે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે પાઈપમાં ફસાયેલા ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટને કાપવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે પાઇપમાંથી 8.15 મીટર ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટનો ભાગ કાઢવાનો બાકી છે. ઓગર મશીન જે ઝડપે કટીંગ કરી રહ્યું છે તે મુજબ આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. ખૈરવાલે જણાવ્યું હતું કે પાઇપમાં ફસાયેલા ઓગર મશીનને દૂર કર્યા પછી જાતે ખોદકામ ચાલુ કરવામાં આવશે.

  • આ માટે દિલ્હીથી નિષ્ણાતોની 6 સભ્યોની ટીમ રવિવારે જ સિલ્કિયારા પહોંચી ગઈ હતી. આ ટીમ આજે 800 મીટરની પાઇપમાં જશે અને જાતે ખોદકામ ચાલુ કરશે.

PMOના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ગૃહ સચિવ એકે ભલ્લા તેમજ ઉત્તરાખંડના મુખ્ય સચિવ એસએસ સંધુ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સતત બચાવ કામગીરીમાં તકેદારી રાખી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી પણ સુરંગમાં ફસાયેલા કામદારોના બચાવ અભિયાનમાં થયેલા કામની સતત માહિતી લઈ રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન જનરલ વીકે સિંહ (નિવૃત્ત) એ આજે ​​ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલના દરવાજા પાસે આવેલા મંદિરમાં કામદારો જલ્દી ટનલમાંથી બહાર આવે તે માટે પૂજા કરી હતી.

આ પણ વાંચો: CISFને સોંપાશે રામ મંદિરની સુરક્ષા, આધુનિક હથિયારોનો થશે ઉપયોગ

Back to top button