ચૂંટણી આવી એટલે ભાજપને મહિલા આરક્ષણ બિલ યાદ આવ્યું, ખડગેના ભાજપ પર આકરા પ્રહાર

Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આસામના બોરખોલામાં આજે જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ મહિલા આરક્ષણ બિલને લગભગ 30 મહિના સુધી “તકિયું બનાવીને સૂતી” રહી. પરંતુ હવે ચૂંટણી આવી ત્યારે જ સરકારને મહિલાઓને આરક્ષણ આપવાની યાદ આવી છે.
ખડગેએ વધુમાં કહ્યું કે આ બિલનો ઉપયોગ માત્ર ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે, મહિલાઓના હિત માટે નહીં.
ખડગેએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ મહિલા આરક્ષણની વિરુદ્ધ નથી, કારણ કે આ વિચાર સૌપ્રથમ કોંગ્રેસે જ રજૂ કર્યો હતો. તેમણે બે મુખ્ય પ્રશ્નો ઉઠાવ્યા:
- મોદી સરકાર આ બિલ પર છેલ્લા 30 મહિના સુધી કેમ સૂતી રહી?
- મોદી સરકાર જાન્યુઆરીના સંસદ સત્રમાં આ બિલ કેમ ના લાવી?
તેમણે જણાવ્યું કે, “અમે મહિલા આરક્ષણના વિરોધી નથી, પરંતુ સરકાર આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણી સમયે મત મેળવવા માટે કરી રહી છે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસે આસામમાં મહિલાઓ માટે માસિક કેશ ટ્રાન્સફર સહિત કુલ 5 ગેરંટી યોજનાઓ જાહેર કરી છે.
નારી શક્તિ વંદન અધિનિયમ (મહિલા આરક્ષણ કાયદો) સપ્ટેમ્બર 2023માં સંસદમાં પસાર થયો હતો. આ કાયદામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ કાયદાનો અમલ તરત થવાનો નથી. તે જનગણના (Census) અને પરિસીમન (Delimitation) પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ થશે. તેથી, માનવામાં આવે છે કે આ કાયદો 2029 પછી જ અમલમાં આવી શકે છે.
नरेंद्र मोदी महिलाओं को आरक्षण देने के बिल को 30 महीने तक तकिया बनाकर सोते रहे।
अब जब चुनाव आया है तो सरकार को महिलाओं को आरक्षण देने की बात याद आई। मोदी सरकार इस मुद्दे से चुनाव को प्रभावित करना चाहती है।
हम महिला आरक्षण के खिलाफ नहीं हैं, क्योंकि हमने ही सबसे पहले इसकी बात… pic.twitter.com/etwaLTfED7
— Congress (@INCIndia) April 6, 2026
હાલમાં સરકાર આ કાયદામાં સુધારો લાવવા માગે છે જેથી આરક્ષણને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકી શકાય. આ માટે 16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સરકાર વિરોધ પક્ષોની સહમતી મેળવવા માંગે છે.
ખડગેએ આ પહેલા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુને પત્ર લખીને સર્વદળીય બેઠક બોલાવવાની માંગ કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે આ બેઠક આસામ, કેરળ, તમિલનાડુ, પોંડુચેરી અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓ (29 એપ્રિલ સુધી) પૂર્ણ થયા પછી જ યોજવી જોઈએ. તેમણે આ પગલાને “ચૂંટણી દરમિયાન રાજકીય ફાયદો લેવા માટેનો પ્રયાસ” ગણાવ્યો હતો. વિરોધ પક્ષો પણ આવી જ માંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ નિવેદન આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે આપવામાં આવ્યું છે. ખડગેએ આસામમાં કોંગ્રેસની 5 ગેરંટીઓમાં મહિલાઓ માટે માસિક કેશ ટ્રાન્સફર, વ્યવસાય માટે 50,000 રૂપિયાની સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. તેમણે બરાક વેલી (બોરખોલા)માં વિકાસની અવગણના અને અન્ય મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી હતી.
આ પણ વાંચો: જયપુરમાં વિદેશી મહિલા સાથે છેડતીનો બનાવ, 5 યુવકો સામે ફરિયાદ












