ઓનલાઇન હોટલ બુક કરી, પહોંચ્યા તો હોટલ જ ગાયબ! બુકિંગ પહેલાં આ 5 વાતો જાણો

Hotel Booking Tips: મુસાફરી દરમિયાન રહેવા માટે આજકાલ મોટાભાગના લોકો મોબાઇલ એપ અથવા ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મની મદદથી હોટલ બુક કરે છે. ઓનલાઈન બુકિંગથી સમય અને મહેનત બંને બચે છે, પરંતુ ક્યારેક ઓનલાઈન દેખાતી હોટલ અંગેની માહિતી ખોટી પણ સાબિત થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આવો જ એક કિસ્સો પંજાબના એક પરિવાર સાથે બન્યો હતો. પરિવારે ઓનલાઈન પ્લેટફોર્મ MakeMyTrip દ્વારા હોટલ બુક કરી હતી. પરંતુ જ્યારે તેઓ હોટલના સરનામે પહોંચ્યા ત્યારે ત્યાં હોટલનું અસ્તિત્વ જ નહોતું. પરિસ્થિતિ એટલી મુશ્કેલ બની કે પરિવારને કડકડતી ઠંડીમાં આખી રાત કારમાં પસાર કરવી પડી. આ મામલે પંજાબની ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટે MakeMyTripને ગ્રાહકને દંડ સહિત કુલ ₹48,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
બે અલગ-અલગ હોટલનું બુકિંગ કર્યું હતું
મળતી માહિતી મુજબ, રાજેશ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના પરિવાર માટે MakeMyTrip મારફતે બે અલગ-અલગ સ્થળોએ હોટલ બુક કરી હતી. પ્રથમ બુકિંગ શ્રીનગરમાં આવેલા હોટલ હેરિટેજ રોઝ ઇન નામની પ્રોપર્ટી માટે કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બુકિંગ ગુલમર્ગમાં આવેલા એપલ ટ્રી રિસોર્ટ માટે કરવામાં આવી હતી.
રાજેશ ચૌહાણ પોતાની પત્ની અને બે બાળકો સાથે જ્યારે શ્રીનગર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે જે હોટલનું બુકિંગ કરવામાં આવ્યું હતું તે સ્થળ પર હોટલ જ નહોતી. ત્યારબાદ પરિવાર ગુલમર્ગ પહોંચ્યો, પરંતુ ત્યાં પણ બુક કરવામાં આવેલી હોટલ મળી નહોતી. ભારે ઠંડી વચ્ચે પરિવારને રાત પસાર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને આખરે તેમને કારમાં જ આખી રાત પસાર કરવી પડી.
આ પણ વાંચોઃ વેસ્ટ ઇન્ડીઝનું ભારત આગમન, 3 ODI અને 5 T20I રમાશે
આ ઘટના ઓનલાઈન હોટલ બુકિંગ કરતી વખતે માત્ર એપ પર આપવામાં આવેલી માહિતી પર વિશ્વાસ કરવાને બદલે કેટલીક બાબતોની જાતે તપાસ કરવી કેટલી મહત્વપૂર્ણ છે તે દર્શાવે છે.
હોટલ બુક કરતી વખતે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો
1. હોટલના રિવ્યૂ ચોક્કસ ચેક કરો
MakeMyTrip અથવા અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હોટલ બુક કરતા પહેલાં તેના રિવ્યૂ અને રેટિંગ ચોક્કસ તપાસો. ખાસ કરીને જૂના રિવ્યૂની સાથે-સાથે તાજેતરમાં કરવામાં આવેલા રિવ્યૂ પર ધ્યાન આપો. હોટલની તસવીરો પણ તપાસો અને ગ્રાહકોએ હોટલની લોકેશન, રૂમ, સર્વિસ અને અન્ય સુવિધાઓ અંગે શું અનુભવ શેર કર્યો છે તે વાંચો. માત્ર રેટિંગ જોઈને બુકિંગ કરવાને બદલે રિવ્યૂની સંખ્યા અને તાજેતરના ગ્રાહકોના અનુભવને પણ ધ્યાનમાં લેવું જોઈએ.
2. YouTube પર પણ હોટલનો રિવ્યૂ તપાસો
ઓનલાઈન હોટલ બુક કરતા પહેલાં YouTube પર પણ તે પ્રોપર્ટીનું નામ સર્ચ કરી શકાય છે. YouTube પર ઘણી વખત ગ્રાહકો પોતાના હોટલના અનુભવના વીડિયો અથવા શોર્ટ્સ શેર કરતા હોય છે. આવા વીડિયો પરથી હોટલ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં, તેની સ્થિતિ કેવી છે અને સર્વિસ કેવી છે તે અંગે વધુ માહિતી મળી શકે છે. જો કોઈ પ્રોપર્ટી અંગે ગ્રાહકોએ ખરાબ અનુભવ શેર કર્યો હોય તો બુકિંગ પહેલાં તેની જાણકારી મળી શકે છે.
3. પેમેન્ટ કરતાં પહેલાં રિફંડ અને કેન્સલેશન પોલિસી વાંચો
હોટલ બુક કરતી વખતે હંમેશાં જાણીતા અને સુરક્ષિત પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. પેમેન્ટ કરતા પહેલાં રિફંડ અને કેન્સલેશન પોલિસી ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈએ. શક્ય હોય તો બુકિંગની શરતો અને પોલિસીના સ્ક્રીનશોટ પણ સાચવી રાખવા જોઈએ. બુકિંગ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી સંપૂર્ણ રકમ અગાઉથી ચૂકવતા પહેલાં પેમેન્ટની શરતો અને બુકિંગ કન્ફર્મેશનની વિગતો ચકાસવી જરૂરી છે.
4. કોઈને પણ OTP શેર ન કરો
હોટલ બુકિંગ દરમિયાન સૌથી મહત્વની બાબત પૈસાની સુરક્ષા છે. હોટલ બુકિંગ માટે હંમેશાં સત્તાવાર અને જાણીતા પ્લેટફોર્મનો ઉપયોગ કરો. કોઈ વ્યક્તિ ફોન કરીને બુકિંગ કન્ફર્મ કરવા, રિફંડ આપવા અથવા બુકિંગની સમસ્યા ઉકેલવાના નામે બેંકિંગ OTP માંગે તો તેને શેર ન કરો. OTP કોઈની સાથે શેર કરવાથી બેંક ખાતા સાથે છેતરપિંડી થવાનું જોખમ રહે છે.
5. બુકિંગ કરતાં પહેલાં બીજી જગ્યાએથી ક્રોસ-ચેક કરો
કોઈ એપ પર હોટલ બુક કરતા પહેલાં તેની વિગતો અન્ય પ્લેટફોર્મ પર પણ તપાસવી ફાયદાકારક બની શકે છે. હોટલનું નામ બીજા ટ્રાવેલ પ્લેટફોર્મ પર સર્ચ કરો અને ત્યાંના રિવ્યૂ પણ વાંચો. આ ઉપરાંત Google Maps પર હોટલનું નામ અને લોકેશન તપાસી શકાય છે. જો એપ પર દર્શાવેલી હોટલ અને Google Maps પરની માહિતીમાં મોટો તફાવત હોય અથવા લોકેશન પર કોઈ બીજી પ્રોપર્ટી દેખાતી હોય, તો બુકિંગ કરતાં પહેલાં સાવધાન થવું જરૂરી છે.
ઓનલાઈન હોટલ બુકિંગમાં સાવચેતી જરૂરી
ઓનલાઈન હોટલ બુકિંગ મુસાફરીને સરળ બનાવે છે, પરંતુ બુકિંગ કરતાં પહેલાં હોટલનું અસ્તિત્વ, લોકેશન, રિવ્યૂ, રેટિંગ અને કેન્સલેશન-રિફંડ પોલિસી જેવી બાબતો તપાસવી જરૂરી છે.
માત્ર એપ પર આપવામાં આવેલી તસવીરો અને માહિતીના આધારે બુકિંગ કરવાને બદલે અલગ-અલગ સ્રોતો પરથી માહિતી ક્રોસ-ચેક કરવાથી ખોટી પ્રોપર્ટી અથવા છેતરપિંડીનો ભોગ બનવાનું જોખમ ઘટાડી શકાય છે.
આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીને NZ આપી ચેલેન્જ, હવે આપવો પડશે વળતો જવાબ?












