ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ
- નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું
- દરેક ફ્લેટમાં ત્રણ બેડરૂમ સહિત કુલ પાંચ રૂમની સુવિધા ઉપલબ્ધ
- દરેક નવ માળના બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. ધારાસભ્યો માટેના આ આવાસ 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 216 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે.
દરેક ફ્લેટમાં ત્રણ બેડરૂમ સહિત કુલ પાંચ રૂમની સુવિધા ઉપલબ્ધ
દરેક ફ્લેટમાં ત્રણ બેડરૂમ સહિત કુલ પાંચ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ધારાસભ્યો માટે ક્વાર્ટર બનાવવાનું આયોજન પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને તેના માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી. આ MLA ક્વાર્ટરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા
પાટનગર ગાંધીનગરમાં સદસ્ય આવાસ જર્જરીત બન્યા છે જેના પગલે સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અહીં 9 માળના 12 ટાવરનું નિર્માણ કરાયું છે જેમાં કુલ મળીને 216 ફ્લેટ તૈયાર કરાયા છે. ધારાસભ્યો માટે આકાર પામેલા લકઝુરિયસ ફ્લેટમાં બે માસ્ટર રુમ, લિવિંગ રૂમ, બે બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટીંગ એરિયા ઉપરાંત નાની ઑફિસની સુવિધા છે. પ્રત્યેક ફલેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લકઝુરિયસ ફલેટમાં માસ્ટર, લિવિંગ રૂમ, બેડરુમમાં એસસી ઉપરાંત 43 ઇંચનું એલઈડી ટીવી ટેબલ નેટવર્ક સાથે ગોઠવવામાં આવ્યું છે. સાથે સાથે ફ્રીજ, ગેસ ગીઝર અને ઈલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધાઓ અપાઈ છે.
દરેક નવ માળના બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે
નવા સદસ્ય નિવાસ સંકુલમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટિન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાઈ છે. દરેક નવ માળના બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે. આ ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર દરવાજા હશે.












