ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં દારૂના સપ્લાયરો બન્યા હાઇટેક, દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો થયો ઉપયોગ

  • દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો દારૂના સપ્લાયરો દ્વારા થતો ઉપયોગ
  • ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂના મોટા જથ્થા
  • બે શખ્સોની જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી

વડોદરા-સુરત નેશનલ હાઇવે પર સતલુજ હોટલના પાર્કિગમાં પાર્ક કરેલા એક ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂના મોટા જથ્થા સાથે બે શખ્સોની જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. દારૂ સપ્લાય કરનાર દક્ષિણ આફ્રિકાનો વર્ચ્યૂઅલ નંબરનો ઉપયોગ કરતો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

તાડપત્રી હટાવીને જોતા એક ચોરખાનું જણાયુ

સતલુજ હોટલના પાર્કિંગમાં સફેદ રંગનો એક ટાટા ટેમ્પો ભરૂચ પાસિંગનો ઊભો છે તેના પર કાળી તાડપત્રી બાંધી છે અને અંદર દારુનો જથ્થો ભર્યો છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસે તપાસ હાથ ધરી હતી. ટેમ્પોમાં બેસેલ બે શખ્સોની પૂછપરછ કરતાં ટેમ્પો ખાલી છે તેમ કહ્યું હતું. પોલીસે ટેમ્પો ચકાસતા ખાલી જણાયો હતો પરંતુ તાડપત્રી હટાવીને જોતા એક ચોરખાનું જણાયું હતું.

ટેમ્પોના ચોરખાનામાંથી પોલીસે રૂ.૧૧.૭૦ લાખ કિંમતની દારૂની ૯૦૦ બોટલો મળી

ટેમ્પોના ચોરખાનામાંથી પોલીસે રૂ.૧૧.૭૦ લાખ કિંમતની દારૂની ૯૦૦ બોટલો મોબાઇલ સહિત કુલ રૂ.૧૯.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી નરેશ નટવર વસાવા અને લક્ષ્મણ મહેન્દ્ર વસાવા (બંને રહે.પુનિતપુરા, તા.કરજણ)ની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો રાજસ્થાનના ચીમનપુરા ગામેથી રુષભ નામની વ્યક્તિએ ભરીને આપ્યો હતો અને હોટલના પાર્કિંગમાં ઊભા રહેવા જણાવ્યું હતું.

બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા

રુષભે જણાવેલ કે એક શખ્સ આવે તેને ગાડી આપી દેવાની છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રુષભ વોટ્સએપ કોલ પર જે નંબરનો ઉપયોગ કરતો હતો તે નંબર દક્ષિણ આફ્રિકાનો વર્ચ્યૂઅલ નંબર છે. આ નંબરની વિગતો પોલીસે વોટ્સએપ પાસેથી મંગાવી છે. દરમિયાન ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સાવચેત રહેજો, ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ.1.47 કરોડની ઓનલાઈન છેતરપિંડી

Back to top button