બાંગ્લાદેશીઓનો મસીહા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, અમદાવાદમાંથી 198 બાંગ્લાદેશી મળ્યા

અમદાવાદ, 3 મે 2025: ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મીની બાંગ્લાદેશ બનાવી દેવામાં આવ્યુ હતું. અહીં રહેતા તમામ બાંગ્લાદેશીઓને શોધી કાઢવા અને અહીં થયેલાં દબાણો દૂર કરવા માટે પોલીસ અને AMCએ મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું હતું કે અત્યારસુધીમાં ફક્ત ચંડોળા વિસ્તારમાંથી જ 190 બાંગ્લાદેશી ઝડપી પાડવામાં આવ્યા છે, જેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર:
ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ઉભુ કરી બાંગ્લાદેશી નાગરિકોની મદદ કરનારા લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરી આજે આજે 3 મે, 2025ના રોજ ક્રાઈમ બ્રાન્ચે ભદ્ર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. બંને વકીલોની દલીલોના અંતે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. ગેરકાયદે ભારતમાં પ્રવેશતા બાંગ્લાદેશીઓને લલ્લા બિહારી આસરાથી લઈને ધંધા સુધીની સુવિધાઓ આપતો હતો.
અમદાવાદમાંથી કુલ 198 બાંગ્લાદેશી મળ્યા:
પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારોમાં બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી જ 190, જ્યારે સોલામાંથી 6 અને ઓઢવામાંથી 2 મળી કુલ 198 બાંગ્લાદેશી મળ્યા છે. જ્યારે માર્ચ મહિનામાં પણ 12 બાંગ્લાદેશીઓ પકડાયા હતા. આ પહેલાં 2009માં ચંડોળા વિસ્તારમાંથી 95 જેટલા બાંગ્લાદેશીને ઝડપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસાડનાર માસ્ટરમાઇન્ડની ધરપકડ, 40 ઘૂસણખોર પણ ઝડપાયા












