
Kutch Fishermen Scheme: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ માછીમારોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કચ્છ જિલ્લાના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા બોટ અને હોડી ધારક માછીમારો તેમજ માછલીના વેપારીઓને આ યોજનાઓનો લાભ લેવા માટે 31 જુલાઈ, 2026 સુધી iKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા અમલમાં રહેલી આ યોજનાઓ હેઠળ માછીમારોને બોટ માટે નવા ફાઈબર રોપ, જમ્બો પ્લાસ્ટિક ક્રેટ, ઇન્સ્યુલેટેડ બોક્સ, મરીન પગડીયા કીટ, મરીન સોલાર પેનલ, લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ, GPS સિસ્ટમ, OBM ધારકો માટે એન્જિન, 4 ઇંચ ગિલનેટ, હોડી રિપ્લેસમેન્ટ, આઈસ/કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ વાહન, ડીપ ફ્રીઝ તેમજ સી-વીડ કલ્ટિવેશન જેવી વિવિધ સહાય યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં મત્સ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ બોટ અને હોડી ધારકો તેમજ માછલીના વેચાણ સાથે જોડાયેલા વેપારીઓએ સમયમર્યાદામાં અરજી કરીને યોજનાઓનો લાભ મેળવવો જોઈએ.
આ ઉપરાંત માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના અને માછીમાર જૂથ અકસ્માત વીમા યોજના પણ હાલમાં અમલમાં છે. આ યોજનાઓનો લાભ લઈને માછીમારો સરળ લોન સુવિધા તેમજ અકસ્માત વીમા કવચ મેળવી શકે છે.
યોજનાઓ અંગે વધુ માહિતી, અરજી પ્રક્રિયા અથવા જરૂરી માર્ગદર્શન મેળવવા માટે અરજદારો કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ટી.બી. હોસ્પિટલ સામે, કેમ્પ એરિયા, ભુજ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે.
મત્સ્યોદ્યોગ વિભાગે કચ્છના તમામ લાયક માછીમારોને અપીલ કરી છે કે તેઓ 31 જુલાઈ, 2026 પહેલાં iKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ લે.












