પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ થઈ, વોરન્ટ છતાં કોર્ટમાં હાજર ન થયા

કચ્છ-ભુજ, 13 ઓક્ટોબર 2025: કચ્છમાં વર્ષ 1984ના દાણચોરી મામલે કોંગ્રેસી અગ્રણી ઈભલા શેઠને માર મારવાના કેસમાં ગુજરાતના પૂર્વ IPS અધિકારી અને કચ્છના પૂર્વ એસ.પી. કુલદીપ શર્માની મુશ્કેલીઓ વધી છે. કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હોવા છતાં હાજર ન થતાં, કુલદીપ શર્મા વિદેશ ભાગી છૂટે તેવી આશંકાના પગલે ભુજ સેશન્સ કોર્ટે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કર્યું છે.
શું છે કેસ અને સજાની જોગવાઈ
જોવા જઈએ તો, આ ઘટના વર્ષ 1984ની છે, જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય સાથેનું એક પ્રતિનિધિ મંડળ ભુજમાં તત્કાલીન એસ.પી. કુલદીપ શર્મા સમક્ષ રજૂઆત કરવા આવ્યું હતું. આ દરમિયાન એસ.પી. ઓફિસમાં અબડાસા તાલુકાના કોંગ્રેસી અગ્રણી ઈભલા શેઠને ગોંધી રાખીને માર મારવાનો કેસ નોંધાયો હતો.
આ મામલે ફેબ્રુઆરી 2025માં ભુજની સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને તત્કાલીન પીઆઈ ગિરીશ વસાવડાને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે બંનેને ત્રણ-ત્રણ માસની કેદ અને એક-એક હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ સજા સામે કરવામાં આવેલી હાઈકોર્ટની અપીલ પણ રદ થઈ હતી.
હાઈકોર્ટમાંથી અપીલ રદ થયા બાદ ભુજ સેશન્સ કોર્ટે કુલદીપ શર્માને 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા માટે સમય આપ્યો હતો. જો કે, આ મુદત પૂર્ણ થયા બાદ પણ કુલદીપ શર્મા હાજર ન થતાં કોર્ટે તેમની ધરપકડ માટે વૉરન્ટ જાહેર કર્યું હતું. તેમ છતાં હાજર ન થતાં, પોલીસે કોર્ટ સમક્ષ અરજી મૂકી હતી કે કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવે. કોર્ટે આ અરજી મંજૂર કરી છે. હવે આ લુકઆઉટ નોટિસ તમામ એરપોર્ટ પર પહોંચતી કરવામાં આવશે, જેથી તેઓ દેશ છોડીને જઈ ન શકે. નોંધનીય છે કે, કાયદાકીય પ્રક્રિયાના 41 વર્ષ બાદ પણ પૂર્વ ઉચ્ચ અધિકારી પર કાયદાનો સંકજો કસાયો છે.
આ પણ વાંચો: મહિલા વર્લ્ડ કપ 2025: ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચશે, આ ગણિત સમજો












