‘AAPએ વીડિયો વાયરલ કરી મને આખી રાત માનસિક ટોર્ચર કર્યો’, ધારાસભ્ય કુમાર કાનાણીનો સણસણતો પલટવાર
Surat Flood Controversy: સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સર્જાયેલી જળબંબોળની સ્થિતિ વચ્ચે હવે ગંભીર રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. વરાછા બેઠકના વરિષ્ઠ ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો. આ વિવાદ પર હવે ખુદ ધારાસભ્ય કુમાર કાનાણીએ એક વિસ્તૃત વીડિયો નિવેદન જારી કરીને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પૂર પીડિતોની સેવાની આડમાં હલકી રાજનીતિ રમવાનો અને પોતાને માનસિક રીતે ટોર્ચર કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
મેયર અને ધારાસભ્ય પૂરના પાણીમાં હોડી લઈને મેદાને
કુમાર કાનાણીએ ફેસબુક લાઈવના માધ્યમથી પૂરની સ્થિતિ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સુરતના વાલમ નગર, એમ.ડી. પાર્ક અને સ્વામિનારાયણ નગર સોસાયટીમાં ઘરો સુધી પૂરના પાણી ઘૂસી ગયા હોવાની માહિતી મળતા જ તેઓ તુરંત સક્રિય થયા હતા. નાગરિકોના રેસ્ક્યૂ માટે તેમણે તાત્કાલિક હોડીની વ્યવસ્થા કરાવી હતી. એટલું જ નહીં, કુમાર કાનાણી પોતે સુરત શહેરના મેયરને સાથે રાખીને હોડી દ્વારા એ.બી.સી. સર્કલ પાસે આવેલા શ્રદ્ધા હાઉસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે એક નાગરિકને હોડીમાં બેસાડી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. જોકે, એમ.ડી. પાર્ક તરફ ખાડીના પાણીનો વહેણ અત્યંત તેજ હોવાથી સ્થાનિકોની સલાહ પર તેઓને પરત ફરવું પડ્યું હતું.
‘આપ’ દ્વારા ભાજપને બદનામ કરવાનું એડવાન્સ પ્લાનિંગ: કાનાણી
ધારાસભ્ય કાનાણીએ આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, 7 તારીખે જ્યારે બાપા સીતારામ સોસાયટીમાં પાણી ભરાયા, ત્યારે ભાજપના કોર્પોરેટરો મહેશભાઈ કાકડિયા અને હરિભાઈ કાકડિયા રાત્રે 11:30 વાગ્યા સુધી ફૂડ પેકેટ વિતરણ માટે ત્યાં હાજર હતા. તેમ છતાં, ‘આપ’ના કાર્યકર્તાઓએ સ્થાનિક છગનભાઈ નામના વ્યક્તિ પાસે કેમેરા સામે એવું બોલાવડાવ્યું કે અહીં કોઈ સરકાર કે નેતા આવ્યા જ નથી! કાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો કે, “આપના નેતાઓ આખો દિવસ અને રાત એ જ પ્લાનિંગ કરે છે કે ભાજપના લોકપ્રતિનિધિઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં આવે એટલે કઈ રીતે ટોળું ભેગું કરવું, કઈ રીતે તેમના હુરિયા બોલાવી ઉગ્ર રજૂઆતો કરાવવી અને તેના વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા.”
‘નિર્દોષ લોકોને ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટો શીખવાડાય છે’
વિપક્ષને આડે હાથ લેતા ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, ચૂંટણીમાં જનતા પાસે ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેએ મત માગ્યા હતા. જનતાએ ભાજપને વિજેતા બનાવ્યો, પરંતુ પૂર જેવી આપત્તિના સમયે વિપક્ષ તરીકે ‘આપ’ના માજી કોર્પોરેટરો અને હોદ્દેદારોની પણ પ્રજાની સેવા કરવાની ફરજ બને છે. આપના લોકો ગ્રાઉન્ડ પર સેવા કરવાને બદલે મંજુબેન કે ગીતાબેન જેવા નિર્દોષ નાગરિકોને એકઠા કરીને ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટો શીખવે છે. ઓળખીતા 10 થી 15 લોકોને ભેગા કરી, કચરા અને પાણીના ફોટા પાડી માત્ર વીડિયો શૂટિંગ કરવાનું હલકું કામ થઈ રહ્યું છે. જો રાજનીતિ જ કરવી હોય તો ચૂંટણીના મેદાનમાં આવવા તેમણે પડકાર ફેંક્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આખી રાત ફોન કરીને માનસિક ટોર્ચરિંગ કરાયું હોવાનો દાવો
પોતાના વાયરલ વીડિયો પાછળનું સત્ય જણાવતા કુમાર કાનાણીએ કહ્યું કે, પૂરની પરિસ્થિતિ દરમિયાન સામાન્ય નાગરિકોના કામ માટે જેટલા ફોન નથી આવ્યા, તેના કરતાં વધારે ફોન આમ આદમી પાર્ટીના આઈટી સેલ અને સમર્થકો દ્વારા તેમને આખી રાત કરવામાં આવ્યા હતા. આ ફોન માત્ર ને માત્ર માનસિક રીતે ટોર્ચર કરવા અને ઉશ્કેરણી કરવા માટે કરાયા હતા. આપના કાર્યકર્તાઓ ઈચ્છતા હતા કે હું ગુસ્સામાં આવીને કોઈ વિવાદિત નિવેદન આપું, જેથી તેઓ તેનું કોલ રેકોર્ડિંગ વાયરલ કરી શકે. આટલા મોટા ષડયંત્ર વચ્ચે પણ તેઓ શાંત રહીને પ્રજાની સેવામાં અડગ રહ્યા હતા.
પુત્રી પૂર વચ્ચે ફસાયેલી રહી છતાં પ્રજાની સેવા કરી: 2006નો ભાવુક કિસ્સો
પોતાના 23 વર્ષના દીર્ઘ રાજકીય જીવનનો એક અત્યંત ભાવુક કિસ્સો શેર કરતા કુમાર કાનાણીએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષ 2006માં જ્યારે સુરતમાં વિનાશક પૂર આવ્યું હતું, ત્યારે કતારગામની મોહનદીપ સોસાયટીમાં સિંગલ માળના ઘરમાં તેમની સગી દીકરી અને તેનો પરિવાર 2 દિવસ સુધી પાણી વચ્ચે ફસાયેલો રહ્યો હતો અને અગાશી પર પ્લાસ્ટિક બાંધીને રાત વિતાવી હતી. તે સમયે પોતે કોર્પોરેટર હોવાથી, પોતાના વિસ્તાર અશ્વિની કુમાર રોડ પર 20 ફૂટ પાણી હોવા છતાં, તેઓ રાત-દિવસ હોડી લઈને જનતાને બચાવવામાં અને દૂધ-ખાવાનું પહોંચાડવામાં વ્યસ્ત હતા. પ્રજાની સેવાની ધૂનમાં તેઓ પોતાની દીકરીની ખબર કાઢવા પણ જઈ શક્યા નહોતા.
‘મારે આપના નેતાઓના સર્ટિફિકેટની જરૂર નથી’
કુમાર કાનાણીએ નિવેદનના અંતમાં સ્પષ્ટ કર્યું કે, પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ ભાજપનો એક-એક કાર્યકર્તા સફાઈ કામદારો સાથે ટીમ બનાવીને સોસાયટીઓ સાફ કરવામાં ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહ્યો છે, જ્યારે વિપક્ષ માત્ર કચરાના ઢગલા પાસે ફોટા પડાવવામાં વ્યસ્ત છે. તેમણે મક્કમતાપૂર્વક કહ્યું, “મારે આમ આદમી પાર્ટીના કોઈ નેતાના પ્રમાણપત્રની જરૂર નથી. હું કેવો છું તે મારી વરાછાની જનતા નક્કી કરશે. ગમે તેટલા ખોટા વીડિયો વાયરલ કરવામાં આવે, હું પ્રજાની સેવા કરતો રહીશ.”
આ પણ વાંચો: બોટાદના ખેડૂતો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા, વરસાદની આગાહી ચાલુ રાખવા કરી અપીલ











