ચોરી કરવા ગયો હતો, એક્ઝોસ્ટ ફેનમાં ફસાઈ ગયો! કોટાથી સામે આવ્યો ચોંકાવનારો Video

રાજસ્થાનના કોટામાંથી ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે, જેનાથી લોકો ચોંકી ગયા છે. આ ઘટના બોરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. અહીં એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેનું નસીબ એટલુ ખરાબ હતુ કે તે રસોડાના એક્ઝોસ્ટ ફેનમાં જ ફસાઈ ગયો. તે ફેનના કાણામાંથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને વચ્ચે જ ફસાઈ ગયો.
અહેવાલો અનુસાર, પીડિત સુભાષ કુમાર રાવત 3 જાન્યુઆરીએ તેમની પત્ની સાથે ખાટુશ્યામજીના દર્શન કરવા ગયા હતા. 4 જાન્યુઆરીની રાત્રે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા અને મેઈન ગેટ ખોલ્યો, ત્યારે તેઓએ તેમની સ્કૂટીની લાઈટના અજવાણામાં એક વ્યક્તિને રસોડાના એક્ઝોસ્ટ ફેનમાં અડધો ફસાયેલો જોયો. આ જોઈને તેઓ બૂમો પાડવા લાગ્યા.
કોલાહલ સાંભળીને પડોશીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. ચોરનો એક સાથી ભાગી જવામાં સફળ રહ્યો, જ્યારે બીજો ફસાઈ રહ્યો. પકડાયા પછી, આ ચોરે ઘરમાલિક અને હાજર અન્ય લોકોને ધમકી આપી કે તેઓ તેને છોડી દે, તેના ઘણા સાથીઓ આસપાસ જ છે. જોકે, તેમણે તરત જ પોલીસને જાણ કરી.
બોરખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘણી મહેનત પછી આરોપીને એક્ઝોસ્ટ ફેનના હોલમાંથી બહાર કાઢ્યો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી જે કારમાં આવ્યો હતો તેના પર પોલીસનુ સ્ટીકર લગાવેલુ હતું. પોલીસે કાર પણ જપ્ત કરી છે.
આ પણ વાંચો: 9 વર્ષ મોટી અમેરિકન મહિલાના પ્રેમમાં પડ્યો ભારતીય યુવક, ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલી દોસ્તી પ્રેમમાં ફેરવાઈ












