અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર વ્રજ જ્વેલર્સની ઓફિસમાં છરીથી હુમલો, ખંડણીનો આરોપ

અમદાવાદ 13 ઓગસ્ટ 2025: શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી વ્રજ જ્વેલર્સની ઓફિસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 7થી 8 શખ્સોએ બિલ્ડર કેતન પટેલ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ હુમલામાં વિક્રમ રબારી અને તેના સાગરીતોની સંડોવણી હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે હુમલાખોરોએ વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોની પાસે ખંડણીની માગણી કરી હતી.
આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં 7થી 8 શખ્સો ઓફિસમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારો વડે કેતન પટેલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોરાયા બાદ આખરે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરીને તેમને ઝડપી પાડવાના પ્રયાસો કરી રહી છે.
આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે, અને તેઓએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માગણી કરી છે. આ ઘટનાથી સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોના ત્રાસ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.












