
02-08-2026: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને અભિનેતા હૃતિક રોશન વચ્ચેનો વર્ષો જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર હૃતિકને સમર્થન આપતો એક ટ્રેન્ડ વાયરલ થયા બાદ બંને વચ્ચે ફરીથી આડકતરી ટિપ્પણીઓનો દોર શરૂ થયો છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘The World Owes an Apology to Hrithik Roshan’ નામનો ટ્રેન્ડ ચર્ચામાં રહ્યો હતો. આ દરમિયાન કેટલાક યુઝર્સે કંગના રનૌતને નિશાન બનાવી ટ્રોલિંગ શરૂ કરી હતી. આ ટ્રેન્ડને લઈને હૃતિક રોશને પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

હૃતિકે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે કોઈ એક વ્યક્તિનો વિરોધ કરવા માટે બીજી વ્યક્તિનો અંધ સમર્થન કરવું યોગ્ય નથી. તેમણે તથ્યો અને સંપૂર્ણ સંદર્ભ સામે આવ્યા બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની સલાહ આપી હતી.

હૃતિકની આ પોસ્ટ બાદ કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જવાબ આપ્યો. કંગનાએ લખ્યું કે તેમને ખુશી છે કે હૃતિક પોતાના જીવનમાં આગળ વધી ચૂક્યા છે અને પોતાના સંબંધમાં ખુશ છે. સાથે જ તેમણે કહ્યું કે કોઈ મહિલાને સોશિયલ મીડિયા પર ચીડવવી કે તેની મજાક ઉડાવવી યોગ્ય નથી.
કંગનાએ વધુમાં હૃતિકને અપીલ કરી કે તેમના નામનો ઉપયોગ કરીને જે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, તેમની જાહેરમાં નિંદા કરવી જોઈએ. તેમના મતે આવી પ્રતિક્રિયાઓ વિવાદને વધુ ભડકાવવાનું કામ કરે છે અને “આગમાં ઘી હોમવા” સમાન છે.
અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં હૃતિકને સલાહ આપતા લખ્યું કે તેઓ પરિસ્થિતિને વધુ ઉશ્કેરવાના બદલે જવાબદારીપૂર્વક વર્તે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રોલિંગને પ્રોત્સાહન ન આપે.

ઉલ્લેખનીય છે કે કંગના રનૌત અને હૃતિક રોશન વચ્ચેનો વિવાદ ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. બંનેએ એકબીજા પર અલગ-અલગ દાવા કર્યા હતા. કંગનાએ એક સમયે હૃતિક સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે હૃતિકે આવા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી હતી. ઈમેલ વિવાદ સહિત અનેક મુદ્દાઓ પર બંને વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર ફરી એકવાર બંનેના નામ ચર્ચામાં આવતા આ જૂનો વિવાદ ફરી ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.












