“દીપક… સોરી” ભાભીના ત્રાસથી કંટાળી માતા-દીકરી-દોહિત્રીનો સામૂહિક આપઘાત

Kalol Narmada Canal: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના તળેટી (તરેટી) ગામના પ્રજાપતિ પરિવારની માતા, પુત્રી અને માત્ર 2 વર્ષની માસૂમ બાળકીએ કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય લાશને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની સત્તાવાર ઓળખ સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (માતા), નેહાબેન દીપકભાઈ પ્રજાપતિ (પુત્રી) અને પહલ દીપકભાઈ પ્રજાપતિ (2 વર્ષની દોહિત્રી) તરીકે થઈ છે. આ સામૂહિક આપઘાત પાછળ ગંભીર પારિવારિક કલેશ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું આત્યંતિક પગલું ભરતાં પૂર્વે પુત્રી નેહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સણસણતી પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે પોતાની સગી ભાભી (ધરતી) ના અસહ્ય અને રોજિંદા માનસિક ત્રાસ અંગે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
“ભાભીએ ભાઈ અને સાસુને ચડામણી કરી ઘર નરક બનાવ્યું”
મૃતક નેહાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારે હૈયે પોતાની આપવીતી લખતા જણાવ્યું છે કે, તેની ભાભીએ તેના સગા ભાઈને પોતાની જ જનેતા (માતા) અને બહેન વિરૂદ્ધ ભડકાવી દીધો હતો. ભાઈ પોતાની માતાને ઘરમાં રાખવા તૈયાર ન હોવાથી વિવશ બનીને માતા તળેટી ગામે એકલી રહેતી હતી, પરંતુ ભાભીએ તેમને ત્યાં પણ શાંતિથી જીવવા દીધી નહોતી.
એટલું જ નહીં, ભાભીની કૂથલી અહીં જ ન અટકી, તેણે નેહાના સાસરી પક્ષમાં પણ તેની સાસુને સતત ચડામણી કરવાનું શરૂ રાખ્યું હતું, જેના કારણે સાસરીમાં સાસુ પણ નેહાને અવારનવાર માનસિક ટોણા મારતા હતા. રોજ-રોજના આ અસહ્ય માનસિક ત્રાસ, અપમાન અને ઘરેલું ઝઘડાથી કંટાળીને આખરે આ ત્રણેય જિંદગીએ મોતનો રસ્તો પસંદ કર્યો હતો.
પતિ અને મામા નિર્દોષ હોવાની આખરી પોસ્ટમાં સ્પષ્ટતા કરી
નેહાએ દુનિયા છોડતા પહેલાં લખેલી પોતાની આખરી પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ આપઘાતના પગલા પાછળ તેના પતિ દીપક, અજય મામા કે ગોરધનભાઈનો કોઈ જ વાંક નથી. તેણે પોતાના પતિ માટે ભાવુક થઈને લખ્યું, “દીપકનો કોઈ વાંક નથી આમાં, સો સોરી દીપક… હવે જાઉં છું.” અને સાથે ઉમેર્યું કે તે પોતાના કારણે હેરાન થતી તેની વૃદ્ધ માતાને પણ પોતાની સાથે લઈ જઈ રહી છે.
હાલમાં કલોલ પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ અને નર્મદા કેનાલમાંથી હાથ બાંધેલી હાલતમાં મળી આવેલા ત્રણેય મૃતદેહોના ગંભીર પાસાંઓને ધ્યાનમાં રાખીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. એક જ પરિવારની ત્રણ-ત્રણ પેઢીએ (માતા, પુત્રી અને દોહિત્રી) એકસાથે વિદાય લેતા પ્રજાપતિ પરિવાર સહિત સમગ્ર મહેસાણા અને કલોલ પંથકમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચોઃ PM Modi: પીએમ મોદીનો મહત્વપૂર્ણ પ્રવાસ, ગુજરાત અને દમણને મળશે કરોડોની ભેટ
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર પોલીસ બેડામાં મોટો ભડાકો: SP પ્રેમસુખ ડેલુએ એકસાથે 443 પોલીસ કર્મચારીઓની કરી આંતરિક બદલી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












