ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં ટાઈફોઈડ મહામારી વચ્ચે કાજલ ધોબીના મૃત્યુનો સનસનીખેજ ખુલાસો: AAPએ લગાવ્યા ગંભીર આરોપ

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ચાલી રહેલી ટાઈફોઈડની મહામારી વચ્ચે આદિવાડા વિસ્તારની 7 વર્ષની બાળકી કાજલ ધોબીના મૃત્યુને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીના જણાવ્યા મુજબ, કાજલનું મૃત્યુ ટાઈફોઈડને કારણે જ થયું છે, જેને તંત્ર દ્વારા છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સરકારી અધિકારીઓ ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી તેવો દાવો કરી રહ્યા છે, જેનાથી આ મામલો વધુ વિવાદાસ્પદ બની ગયો છે.

મેડિકલ રિપોર્ટ્સમાંથી થયો ખુલાસો

ગાંધીનગરના AAPના કોર્પોરેટર તુષાર પરીખને લાંબી શોધખોળ બાદ કાજલના મેડિકલ રિપોર્ટ્સ અને ફાઇલ્સ મળી આવ્યા છે. આ રિપોર્ટ્સ મુજબ, 2 જાન્યુઆરીના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દવાખાનામાં કાજલનો વિડાલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેની તબિયતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં 4 જાન્યુઆરીએ ફરી એક વખત વિડાલ ટેસ્ટ કરવામાં આવ્યો અને તે પણ પોઝિટિવ આવ્યો હતો. જોકે, 5 જાન્યુઆરીએ કાજલનું મૃત્યુ થઈ ગયું. AAPના જણાવ્યા મુજબ, આ રિપોર્ટ્સ સ્પષ્ટ કરે છે કે મૃત્યુનું કારણ ટાઈફોઈડ જ છે, અન્ય કોઈ બીમારી નહીં. પાર્ટીએ આને તંત્રની ઘોર બેદરકારી ગણાવી છે, જેના કારણે એક પરિવાર તેની દીકરી વિહોણો થઈ ગયો છે.

AAPના નેતાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ પર આરોપ લગાવ્યો છે કે તેઓ મૃત્યુનું કારણ છુપાવી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે, “એક તંત્ર મૃત્યુ માટે જવાબદાર છે, બીજું આંકડાઓ સાથે હેરફેર કરવામાં વ્યસ્ત છે અને ત્રીજું મૃત્યુના કારણો છુપાવી રહ્યું છે.” તેઓએ પૂછ્યું કે, આ એક કિસ્સો હાલ ઉજાગર થયો છે, તો આવા કેટલા કિસ્સાઓને છુપાવવામાં આવ્યા હશે?

ગટરના પાણી ભળી જવાથી આ મહામારી ફેલાઈ

ગાંધીનગરમાં જાન્યુઆરીની શરૂઆતથી ટાઈફોઈડના કેસમાં વધારો જોવા મળ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, 5 જાન્યુઆરી સુધીમાં 113થી વધુ સંદિગ્ધ કેસ નોંધાયા હતા, જેમાંથી મોટા ભાગના બાળકો છે.

આદિવાડા, સેક્ટર 24 અને 28 જેવા વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરના પાણીનું મિશ્રણ થવાને કારણે આ મહામારી ફેલાઈ છે. 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ સ્થિતિની સમીક્ષા કરી છે. જોકે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) એ ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી તેવો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, “બે મૃત્યુ થયા છે, પરંતુ તે અન્ય કારણોથી છે, ટાઈફોઈડથી નહીં. AAPના નેતાઓ હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોને મળ્યા અને આ મહામારી માટે દૂષિત પાણીને જવાબદાર ગણાવ્યું છે.

AAPની માંગણીઓ

AAPએ સરકારને મૃતકના પરિવારને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેઓએ જવાબદાર અધિકારીઓ સામે માનવ વધનો ગુનો નોંધવા, કડક કાર્યવાહી કરવા અને રાજીનામાં માંગવાની વાત કરી છે. પાર્ટીએ ચેતવણી આપી છે કે, જો આ માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ ઉપવાસ આંદોલન કરશે.

આ મામલો ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અને વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કરે છે. એક તરફ તંત્ર કહે છે “કોઈ મોત ટાઈફોઈડથી નથી થયુ, બધું કંટ્રોલમાં છે”. પરંતુ બીજી તરફ વિપક્ષ અને સ્થાનિક લોકો કહે છે કે બેદરકારીથી બાળકો મરી રહ્યા છે. આવા કિસ્સાઓમાં જવાબદારી કોની? પાણીની સિસ્ટમની નિષ્ફળતા પર કોઈ મોટી કાર્યવાહી થતી હોય તેવુ લાગી રહ્યું નથી અને પરિવારોને રાહત મળવાની વાત પણ અટકી છે. આખરે તો એક માસૂમ બાળકીનું જીવન ગુમાયું છે, જેની કિંમત કોઈ લાખો કે કરોડોમાં માપી શકાય તેમ નથી, પરંતુ તેના પરિવાર માટે તે અમૂલ્ય હતી. આવા સંજોગોમાં સરકારી તંત્રએ વધુ પારદર્શિતા અને જવાબદારી દાખવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પરિવારને આવો દુઃખદ અનુભવ ન કરવો પડે.

આ પણ વાંચો: સોમનાથ મંદિરમાં શું થવાનું છે, 21 વર્ષ જૂની તસવીરો શેર કરીને પીએમ મોદીએ શું કહ્યું?

Back to top button