કડીમાં વ્યાજખોરોના ત્રાસથી સામુહિક આપઘાત, સ્યુસાઈડ નોટ વાંચીને હચમચી જશો

કડી, તા. 8 જૂન, 2025: મહેસાણાના કડીમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો. પતિ-પત્ની અને તેમના 10 વર્ષના બાળકે નર્મદા કેનાલમાં કૂદીને જીવનનો અંત આણ્યો હતો. અંતિમ પગલું ભરતા પહેલાં પરિવારે એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, કડીના રહેવાસી ધર્મેશ પંચાલ (ઉ. વ. 38), તેમના પત્ની ઉર્મિલાબેન પંચાલ (ઉ. વ. 26) અને પુત્ર પ્રકાશ પંચાલે (ઉ. વ. 10 ) નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ પરિવાર મૂળ શંખેશ્વરનો રહેવાસી હતો. મૃતકોની કારમાંથી તેમનો મોબાઈલ ફોન અને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. જોકે, નોટમાં વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.
પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદનો પણ નોંધ્યા હતા અને આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરતા પહેલા પરિવારે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, બધાને મારા છેલ્લા રામ રામ, મને પણ જીવન જીવવાની ઈચ્છા હતી. પરંતુ કેટલાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવીને વ્યાજનું પણ વ્યાજ લીધું છે અને મને ધમકી આપતા હતા.
મને માનસિક રીતે ખૂબ ટોર્ચરિંગ કરતા હતા. મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. હું એવા ચકડોળમાં ફસાયો કે બહાર નીકળવું મારે માટે શક્ય નથી. આજે હું મરવા જઈ રહ્યો છું, તમે આ પત્ર વાંચશો ત્યારે હું આ દુનિયા છોડી ચૂક્યો હશે. સરકારને જણાવવાનું કે આ લોકો મારી પત્ની અને બાળકને જીવવા દે. બધા ભેગા મળીને મને બહુ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું, આજે મને કોઈ રસ્તો દેખાતો નથી. મારી જિંદગી ખતમ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થાશે. સરકારને અપીલ કરું છું કે મારી સાથે થયું એ બીજા સાથે આ લોકો ન કરે એવી આશા રાખું છું.
આ પણ વાંચોઃ પાટીદારોની 750 વર્ષની વંશાવલી ‘સોનાની હાટડી’ પુસ્તકનું મુખ્યપ્રધાને વિમોચન કર્યું












