ગિરનાર પર્વત પર નવી ‘IN/OUT’ રજીસ્ટ્રેશન સિસ્ટમ: યાત્રાળુઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય

જૂનાગઢ: ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થાને લક્ષમાં રાખીને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આજથી એટલે કે 18 જુલાઈ 2026થી ગિરનાર પર્વત માટે પ્રાયોગિક ધોરણે ‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.
સિસ્ટમનો હેતુ
આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ યાત્રાળુઓની અવરજવરનું ચોક્કસ રેકોર્ડ રાખવાનો, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કોઈપણ આપત્તિ કે કટોકટીના સમયે ઝડપથી અસરકારક પ્રતિસાદ આપી શકવાનો છે. આનાથી વહીવટી તંત્રને પર્વત પર કેટલા યાત્રાળુઓ હાજર છે તેની માહિતી મળતી રહેશે.
કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?
- દરેક યાત્રાળુએ પોતાની સાથે ફરજિયાત અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) રાખવાનું રહેશે.
- નવી સીડી પાસે અથવા એન્ટ્રી પોઈન્ટ પર મૂકવામાં આવેલ QR કોડ સ્કેન કરીને અથવા વેબસાઈટ https://Register.bhavnathtemple.com પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- યાત્રા શરૂ કરતી વખતે ‘IN’ (એન્ટ્રી) અને દર્શન પૂર્ણ કરીને પરત ફરતી વખતે ‘OUT’ (એક્ઝિટ) નોંધાવવું ફરજિયાત છે.
સ્માર્ટફોન વગરના યાત્રાળુઓ માટે વ્યવસ્થા
જે યાત્રાળુઓ પાસે સ્માર્ટફોન નથી અથવા ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવે છે, તેમના માટે સ્થળ પર જ વિનામૂલ્યે ઓફલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ અને વહીવટી તંત્રનો સ્ટાફ સતત મદદ માટે હાજર રહેશે.
તાજેતરની ઘટના પછીનું પગલું
આ નિર્ણય તાજેતરમાં ગિરનારની 50 પગથિયા સીડી પર એક બાળક પર સિંહના હુમલાની દુઃખદ ઘટના પછી લેવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના મુદ્દે ચિંતા વધારી દીધી હતી. ત્યારબાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે આ સિસ્ટમ તૈયાર કરી છે.
જિલ્લા NIC ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડના માર્ગદર્શનમાં આ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
અપીલ
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રે તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે પોતાની સુરક્ષા અને સરળતા માટે આ વ્યવસ્થામાં પૂર્ણ સહકાર આપે. આ સિસ્ટમ નવી સીડી, જૂની સીડી તેમજ રોપવે માર્ગે આવતા તમામ યાત્રાળુઓ માટે લાગુ પડશે.
આ પણ વાંચો:












