
Pruthvi Sanghani: જામનગર જિલ્લાના વિભાપર ગામની એક સામાન્ય પરિવારમાંથી આવેલી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ પોતાની પ્રતિભા અને સતત મહેનતના બળે ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ લોન્ચ વ્હીકલ વિક્રમ-1ના વિકાસ સાથે જોડાઈ તેમણે માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલા વિક્રમ-1 મિશનમાં પૃથ્વી સંઘાણીએ ગાઇડન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ (GNC) ટીમમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. રોકેટના સલામત અને ચોક્કસ માર્ગદર્શન માટે જરૂરી ઓટોપાયલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. મિશનના સફળ પરીક્ષણ દરમિયાન તેઓ સમગ્ર ટેક્નિકલ ટીમનો મહત્વનો હિસ્સો રહ્યા હતા.
શૈક્ષણિક સફરથી અવકાશ ક્ષેત્ર સુધીનો પ્રવાસ
પૃથ્વી સંઘાણીની સફળતા પાછળ વર્ષોની મહેનત અને ટેક્નિકલ અભ્યાસ રહેલો છે. તેમણે જામનગરની હરિયા સ્કૂલમાંથી ધોરણ 10 પૂર્ણ કર્યું હતું, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોદી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં B.E. પૂર્ણ કર્યું. ઉચ્ચ અભ્યાસ માટે તેમણે પુણે સ્થિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT)માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં M.Tech કર્યું, જેમાં ગાઇડેડ મિસાઇલ્સ ક્ષેત્રમાં વિશેષતા મેળવી.
DRDOમાં પણ આપી હતી સેવા
ઉચ્ચ અભ્યાસ બાદ પૃથ્વીએ હૈદરાબાદ સ્થિત DRDOની DRDL લેબોરેટરીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામગીરી બજાવી હતી. અહીં તેમણે મિસાઇલ મિશન ડિઝાઇન અને કંટ્રોલ સિસ્ટમ પર કામ કરીને મહત્વનો અનુભવ મેળવ્યો હતો. આ અનુભવ બાદ તેમણે ખાનગી અવકાશ કંપની સ્કાયરૂટ એરોસ્પેસમાં જોડાઈ નવી ઊંચાઈઓ સર કરી.
વિક્રમ-1 મિશનમાં ભજવી અગત્યની ભૂમિકા
સ્કાયરૂટ એરોસ્પેસમાં જોડાયા બાદ પૃથ્વી સંઘાણીએ વિક્રમ-1 લોન્ચ વ્હીકલ માટે ઓટોપાયલટ સિસ્ટમ વિકસાવવાની ટીમનું નેતૃત્વ કર્યું. રોકેટને નિર્ધારિત માર્ગ પર સુરક્ષિત અને ચોક્કસ રીતે આગળ વધારવા માટે આ સિસ્ટમ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. તેમના ટેક્નિકલ યોગદાનના કારણે મિશનના વિકાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ શક્ય બની.
હાલ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પણ કાર્યરત
વિક્રમ-1 મિશન બાદ પણ પૃથ્વી સંઘાણી અવકાશ અને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા નવા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. અદ્યતન ટેક્નોલોજી અને નવીન સંશોધન દ્વારા દેશના એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં તેઓ સતત યોગદાન આપી રહ્યા છે.
યુવા પેઢી માટે પ્રેરણારૂપ સફળતા
જામનગરના સામાન્ય પરિવારમાંથી રાષ્ટ્રીય સ્તરના અવકાશ મિશન સુધી પહોંચેલી પૃથ્વી સંઘાણીની સફર હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની સિદ્ધિ એ સાબિત કરે છે કે યોગ્ય શિક્ષણ, મહેનત અને સંકલ્પના બળે કોઈપણ વ્યક્તિ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે.











