જામનગરમાં વૃદ્ધ માતા સાથે અમાનુષી અત્યાચાર, 40 વર્ષના આસરાને બુલડોઝરે તોડી પાડ્યું, પોલીસે લાચારીની મર્યાદા ઓળંગી

Elderly Woman Protest: ધમધમતા તડકામાં એક અસહાય વૃદ્ધ માતાને પોલીસ કર્મચારીઓ ઘસડીને પોલીસ વાનમાં લઈ જાય છે. તેમની આંખોમાં આંસુ, અવાજમાં વેદના અને હાથમાં કંપારી… આ દ્રશ્ય જોઈને કોઈનું પણ હૃદય ધ્રુજી ઊઠે. આ ઘટના જામનગરના જડેશ્વર પાર્ક (રણજીતસાગર રોડ, વોર્ડ નં. 16)ની છે, જ્યાં જામનગર મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે (14 મે) ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ કાર્યવાહીમાં માનવતા શર્મસારનો થઈ ગઈ.
અમે અહીંથી નહીં ઊઠીએ, જે કરવું હોય તે કરો
40 વર્ષથી આ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી, નંદુબેન અને તેમના પતિએ પોતાની જિંદગીભરની મૂડીથી બાંધેલા ઘર અને દુકાનની આગળ બુલડોઝર આવતું જોયું. આ બુલડોઝર તેમનું ઘર તોડવા આવ્યું હતું. નંદુબેન જીવનભરની મહેનતના આસરાને બચાવવા માટે બુલડોઝર સામે બેસી ગયા અને કહ્યું, “અમે અહીંથી નહીં ઊઠીએ, જે કરવું હોય તે કરો!”. આવું બોલતા બોલતા તેઓ લાચારીથી રડી પડ્યાં. પરંતુ તંત્રે કોઈ સહાનુભૂતિ દાખવી નહીં. પોલીસ તેમને ઘસડીને લઈ ગઈ અને પોલીસ વાનમાં બેસાડી દીધાં. આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પુરુષ અને મહિલા પોલીસ કર્મચારીઓ મળીને તેમને ખેંચી-ખેંચીને વાનમાં ધકેલે છે. આખી ઘટના દરમિયાન વૃદ્ધ માતાની તકલીફ અને અપમાન સ્પષ્ટ દેખાય છે.
દ્વારકા જિલ્લામાં વૃધ્ધ દંપતિનું ઘર બુલડોઝરથી તોડી પડાયુ તો વિરોધ કરનારા અસક્ત વૃધ્ધાને ઘસડીને આ રીતે પોલીસ ઉઠાવી જાય છે.
પોલીસ વૃધ્ધાને હાથ ઉપાડે છે.
હવે તો હદ થાય છે.
ચૂંટણી હતી ત્યારે ઘર પર બુલડોઝર ફરતા ન હતા. ચૂંટણી પુરી થઇ એટલે અત્યાચાર શરૂ. pic.twitter.com/MY2hNhwrZO— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) May 14, 2026
જીવનની છેલ્લી આશા હતું આ ઘર
આ કાર્યવાહીમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં 3 મકાન અને 3 દુકાનોને બુલડોઝરે તોડી પાડ્યા. તંત્રના જણાવ્યા મુજબ આ જમીન નગરપાલિકાની છે અને તેની કિંમત અંદાજે કરોડોમાં છે. નંદુબેનનું કહેવું છે કે તેઓએ 35-40 વર્ષ પહેલાં શાંતિલાલ પાસેથી પ્લોટ ખરીદ્યો હતો અને ત્યારથી તેઓ અહીં રહે છે. પરિવારની સ્થિતિ પણ નાજુક છે, કારણ કે તેમના પુત્રનું 9 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું છે અને હવે તેઓ પુત્રવધૂ તથા બે પૌત્રોની જવાબદારી સંભાળી રહ્યા છે. આવા સંજોગોમાં આ ઘર તેમના માટે માત્ર આશરો નહીં, પરંતુ જીવનની છેલ્લી આશા હતું.
AAPના ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
આ વાયરલ વીડિયો જોતાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર અને વહીવટી તંત્રની આકરી ટીકા કરી છે. તેમણે પોતાના X પોસ્ટમાં લખ્યું, “સરકારને જરાય શરમ નહીં આવી હોય એક વૃદ્ધ મહિલાને ભરતડકામાં ટીંગાટોળી કરીને લઈ જતા?” ઈસુદાને આ ઘટનાને માનવતા વિરુદ્ધનું અમાનુષી કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે વિકાસના નામે ગરીબ અને અસહાય વૃદ્ધો સાથે આવો વ્યવહાર કરવો એ સરકારની સંવેદનહીનતાનું પ્રતિક છે. તેમણે આ મામલે તત્કાલ તપાસ અને વૃદ્ધ દંપતીને યોગ્ય ન્યાય અને વિકલ્પ આપવાની માંગ કરી છે.
સરકારને જરાય શરમ નહીં આવી હોય એક વૃદ્ધ મહિલાને ભર તડકામાં ટીંગાટોળી કરીને લઈ જતા? pic.twitter.com/HEKQzxMdnZ
— Isudan Gadhvi (@isudan_gadhvi) May 15, 2026
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોલીસના આ વર્તનને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે કેટલાકે દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન વધુ સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ તેમ જણાવ્યું છે. ઘણા લોકો પોલીસના વર્તનને નિર્દય અને અમાનુષી કહી રહ્યા છે. રાજકીય સ્તરે પણ આ મામલે પ્રતિક્રિયાઓ જોવા મળી છે, જેમાં સરકાર અને તંત્રની કામગીરી અંગે ટીકા કરવામાં આવી છે. એક જર્નાલિસ્ટે પોસ્ટ કરીને પૂછ્યું, “ચૂંટણી પહેલાં તો અહીં બુલડોઝર નહોતા ફરતા, હવે આવો અત્યાચાર કેમ?” વૃદ્ધોના સન્માન અને સંવેદનશીલતાના અભાવ પર પણ સવાલો ઊઠી રહ્યા છે.
આ ઘટના માત્ર એક વ્યક્તિગત દુઃખની વાત નથી, પરંતુ તંત્રની સંવેદનહીનતાનું પ્રતિક છે. ગેરકાયદે દબાણ હટાવવું જરૂરી છે, પરંતુ તે પણ માનવીય મર્યાદામાં રહીને જ કરવું જોઈએ. વૃદ્ધો, અસહાય અને ગરીબોની લાચારીનું શોષણ કરીને વિકાસનું મોડલ શું સાબિત કરવા માંગે છે? જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વહીવટી તંત્રે આ મામલે સ્પષ્ટ જવાબ આપવાની જરૂર છે.
આ વીડિયો હજુ પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, ક્યાં છે વૃદ્ધોનો આદર? ક્યાં છે માનવતા? શું આ છે સંવેદનશીલ સરકાર?
આ પણ વાંચો: હવે અલગ અલગ કચેરીના ધક્કા નહિ ખાવા પડે, નાગરિકોની ફરિયાદો ઉકેલવા CM યુનિફાઇડ પોર્ટલ શરૂ કરાશે












