UNમાં પાકિસ્તાનની ફરી ફજેતી: ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ, UN સુરક્ષા પરિષદમાં સુધારાની કરી વકીલાત
India slams Pakistan At UN: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) માં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપવા બદલ ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર જોરદાર જવાબ આપ્યો છે. ભારતે વૈશ્વિક સ્તરે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, જમ્મુ અને કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો આંતરિક તેમજ અવિભાજ્ય ભાગ છે. પાકિસ્તાને પોતાની નાપાક અને ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર જેવા પ્રતિષ્ઠિત મંચનો દુરુપયોગ કરવાનું હવે બંધ કરી દેવું જોઈએ.
પાકિસ્તાનના પ્રતિનિધિની ટિપ્પણીને ભારતે ‘ભ્રામક’ ગણાવી
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અબ્માદે બિનજરૂરી રીતે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે પાકિસ્તાનની આ ટિપ્પણીઓને સખત શબ્દોમાં નકારી કાઢીને તેને “બિનજરૂરી” અને “ભ્રામક” ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન પોતાના સંકુચિત રાજકીય સ્વાર્થ ખાતર ઇતિહાસ સાથે અસંગત અને પાયાવિહોણા દાવા કરી રહ્યું છે, જેનાથી જમીનની વાસ્તવિકતા ક્યારેય બદલાવાની નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુરક્ષા પરિષદના સભ્ય તરીકે પાકિસ્તાનને તેની જવાબદારી યાદ અપાવી
ભારતીય પ્રતિનિધિ પર્વતાનેની હરીશે પાકિસ્તાનને આડે હાથ લેતા યાદ અપાવ્યું કે, તે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) નો અસ્થાયી સભ્ય છે. આ એક અત્યંત જવાબદારીપૂર્વકનું પદ છે, જેનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે, નહીં કે પક્ષપાતી અને ખોટો પ્રચાર કરવાનો. ભારતે ખુલ્લો આક્ષેપ કર્યો કે પાકિસ્તાન સુરક્ષા પરિષદમાં પોતાની હાજરીનો ગેરલાભ ઉઠાવીને સતત ગેરમાર્ગે દોરનારા દસ્તાવેજો ફેલાવી રહ્યું છે, જે વૈશ્વિક મંચની ગંભીરતાને નબળી પાડે છે.
યુએન સુરક્ષા પરિષદમાં તાકીદે સુધારા કરવા ભારતની માંગ
પોતાના સંબોધનમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વ્યાપક સુધારા કરવાની જરૂરિયાત પર ફરી ભાર મૂક્યો હતો. ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું કે UNSC ની વર્તમાન સંરચના વર્ષ 1945 ના ભૂ-રાજકીય સંજોગો પર આધારિત છે, જ્યારે વર્તમાન સમયમાં વિશ્વ ઘણું બદલાઈ ચૂક્યું છે. પરિષદને વધુ અસરકારક અને ન્યાયી બનાવવા માટે કાયમી અને બિન-કાયમી બંને શ્રેણીઓનું વિસ્તરણ થવું જોઈએ. ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનના G4 જૂથનું માનવું છે કે વિકાસશીલ દેશોના યોગ્ય પ્રતિનિધિત્વ માટે સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા વધારીને 25 કે 26 કરવી જોઈએ.
આ પણ વાંચો: Hormuz News: તેલ, પ્રતિબંધો અને રાજકારણ, ઈરાનની નવી મુશ્કેલી શું છે?











