ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

જમ્મુ-કાશ્મીરનું બજેટ તમે IMF પાસેથી માંગેલા ફંડ કરતા વધુ, UNમાં ભારતીય ડિપ્લોમેટના પાકિસ્તાન પર આકરા પ્રહારો

  • અનુપમા સિંહે કહ્યું કે જ્યાં સિવિલિયન સરકારો ભાગ્યે જ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરે છે તેવા દેશ પાસેથી લોકશાહી પરનું લેક્ચર સાંભળવું મુશ્કેલ છે

National News: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 61મા સત્રમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. 25 ફેબ્રુઆરીના રોજ હાઈ-લેવલ સેગમેન્ટમાં ભારત તરફથી રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરતા ભારતીય ડિપ્લોમેટ અનુપમા સિંહે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.

તેમણે કહ્યું કે પાકિસ્તાન ખોટો પ્રચાર ફેલાવવાનું ચાલુ રાખે છે અને હવે તેની ઈર્ષ્યા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને રહેશે.

અનુપમા સિંહે ભાર મૂક્યો હતો કે 1947માં જમ્મુ અને કાશ્મીરનું ભારત સાથેનું વિલીનીકરણ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સંપૂર્ણપણે કાયદેસર અને બદલી ન શકાય તેવું હતું. તેમણે પાકિસ્તાનને ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય પ્રદેશો ખાલી કરવા વિનંતી કરી. OICને એક સભ્ય દેશનું ઇકો ચેમ્બર બનવા બદલ પણ ટીકા કરવામાં આવી હતી.

ચિનાબ રેલ બ્રિજનો ઉલ્લેખ કરીને દુશ્મન દેશને યોગ્ય જવાબ 

જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા વિકાસનો ઉલ્લેખ કરતા અનુપમા સિંહે કહ્યું કે જો ચિનાબ રેલ બ્રિજ, જે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે અને ગયા વર્ષે તેનું ઉદ્ઘાટન થયું હતું, તે નકલી છે, તો પાકિસ્તાન કાં તો ભ્રમમાં છે અથવા ‘લા લા લેન્ડ’માં રહે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂન, 2025ના રોજ ચિનાબ નદી ઉપર 359 મીટર ઉંચાઈ પર બનેલા અને એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચા આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું હતું. આ પુલ કાશ્મીરને ભારતના રેલ નેટવર્ક સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનું વિકાસ બજેટ પાકિસ્તાને તાજેતરમાં IMF પાસેથી માંગેલા બેલઆઉટ પેકેજ કરતાં બમણાથી વધુ છે. આ સ્પષ્ટપણે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની ઝડપી ગતિ દર્શાવે છે, જ્યારે પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

લોકતંત્ર પર પાકિસ્તાનના લેક્ચરને નકારાયું

પાકિસ્તાન તરફથી લોકશાહી પ્રક્રિયાઓ પર સવાલ ઉઠાવતા અનુપમાં સિંહે આ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સિવિલિયન સરકારો ભાગ્યે જ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરે છે તેવા દેશ પાસેથી લોકશાહી પરનું લેક્ચર સાંભળવું મુશ્કેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં થયેલી સામાન્ય અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભારે મતદાન થયું હતું, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ત્યાંના લોકોએ આતંકવાદ અને હિંસાની વિચારધારાને નકારી કાઢી છે અને વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકો હવે શાંતિ અને પ્રગતિ ઇચ્છે છે અને ચૂંટણી ભાગીદારી આનો પુરાવો છે.

પાકિસ્તાનને આંતરિક કટોકટી સુધારવા સલાહ

અંતે અનુપમા સિંહે પાકિસ્તાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ દ્વારા પ્રદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે પાકિસ્તાનને બહુપક્ષીય મંચો પર નાટક કરીને પોતાની સમસ્યાઓ છુપાવવાનો પ્રયાસ કરવાને બદલે તેના ઊંડા આંતરિક સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. દુનિયાએ પાકિસ્તાનના દંભને પહેલેથી જ જોઈ લીધો છે.

ભારતે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર રાજકીય, આર્થિક અને સામાજિક રીતે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આ જમ્મુ અને કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કડવા રાજદ્વારી યુદ્ધનું તાજું ઉદાહરણ છે, જેમાં UNHRC જેવા મંચોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ NCERTએ કોર્ટના ભ્રષ્ટાચારવાળું પુસ્તક તો પ્રતિબંધિત કર્યુ, પરંતુ ઓલરેડી વેચાઈ ગયેલી 38 કોપીઓનું શું?

Back to top button