નેપાળથી યુરોપ સુધીની આફતો કુદરતી કે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર? દુનિયા માટે ખતરાની ઘંટડી

Climate Change: એક તરફ હિમાલયમાંથી તૂટી પડેલું પાણી નેપાળમાં ગામો અને રસ્તાઓને તબાહ કરી રહ્યું છે, બીજી તરફ ચીનમાં ભારે વરસાદ બાદ પહાડનો ભાગ ધસી રહ્યો છે. હજારો કિલોમીટર દૂર કેનેડાના ટોરોન્ટોમાં જોરદાર તોફાનથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે યુરોપના અનેક દેશો છેલ્લા કેટલાક મહિનાથી અસામાન્ય ગરમી, દુષ્કાળ અને આગ સામે લડી રહ્યા છે.
દુનિયાના અલગ-અલગ ખૂણામાં બનેલી આ ઘટનાઓ એકબીજાથી હજારો કિલોમીટર દૂર છે, પરંતુ બધા માટે સવાલ એક જ કોમન છે. આ સવાલ હવે વધુ ગંભીર બની રહ્યો છે. શું આ માત્ર કુદરતી સંયોગ છે કે બદલાતું હવામાન ભવિષ્યની વધુ ખતરનાક દુનિયાના સંકેત આપી રહ્યું છે?

નેપાળ: પાણી આવ્યું અને બધું વહી ગયું
26 ઓગસ્ટે નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. 5 સપ્ટેમ્બર સુધીના અહેવાલ પ્રમાણે નેપાળમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 1,295 સુધી પહોંચી ગયો છે, લગભગ 5 હજાર લોકો હજુ લાપતા છે અને 12 હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલય અનુસાર 275 ભારતીય નાગરિકો હજુ લાપતા છે, જ્યારે 166 ભારતીયોને બચાવવામાં આવ્યા છે.
પ્રારંભિક અહેવાલો પ્રમાણે હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર અને બરફ-ખડક ધસી પડવાની ઘટનાએ ભારે જળપ્રવાહ સર્જ્યો હતો, જેના કારણે ભોટેકોશી અને ત્રિશૂલી નદીના વિસ્તારોમાં અચાનક પાણી ફરી વળ્યું હતું. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ, રસ્તાઓ, ગામો અને ટનલોમાં કામ કરતા લોકો પણ તેની ઝપેટમાં આવ્યા હતા. હિમાલય માટે આ સૌથી મોટી ચિંતા છે. ઊંચા પર્વતીય વિસ્તારોમાં બરફ, ગ્લેશિયર, સરોવરો અને ઢોળાવોનું સંતુલન બગડે તો નીચે વસતા લાખો લોકો માટે થોડા જ સમયમાં વિનાશ સર્જાઈ શકે છે.
ચીન: ભારે વરસાદ બાદ આખો પહાડ ધસી પડ્યો
નેપાળમાં હજુ બચાવ કામગીરી ચાલી રહી છે ત્યાં જ 5 સપ્ટેમ્બરે પૂર્વમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની. ચીનમાં થયેલા આ મડસ્લાઈડમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને 11 લોકો લાપતા છે. લગભગ એક ડઝન મકાનોને નુકસાન થયું છે, જ્યારે બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં ટ્રોપિકલ સાઈક્લોનના કારણે સતત ભારે વરસાદ પડ્યો હતો. પડોશી પ્રાંતમાં પણ પૂર અને ભારે વરસાદથી નુકસાન થયું અને જોખમી વિસ્તારોમાંથી લગભગ 6 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં 100થી વધુ મકાનો ધરાશાયી થયાની માહિતી પણ સામે આવી છે.
ભૂસ્ખલન કુદરતી પ્રક્રિયા છે, પરંતુ સતત ભારે વરસાદ જમીનમાં પાણીનું પ્રમાણ એટલું વધારી શકે છે કે પહાડી ઢોળાવ પોતાનું સંતુલન ગુમાવી દે. પરિણામે થોડી મિનિટોમાં માટી, પથ્થરો અને વૃક્ષોનો વિશાળ જથ્થો નીચે ધસી આવે છે.

કેનેડા: ટોરોન્ટોમાં તોફાને શહેરની ગતિ રોકી
એશિયા જ નહીં, ઉત્તર અમેરિકામાં પણ સપ્ટેમ્બરની શરૂઆત ભારે હવામાન સાથે થઈ છે. 2 સપ્ટેમ્બરે કેનેડાના ટોરોન્ટો અને ગ્રેટર ટોરેન્ટો એરિયામાં આવેલા શક્તિશાળી થંડર સ્ટ્રોમ સાથે મૂશળધાર વરસાદ, મોટા કરા અને વિનાશક પવન ફૂંકાયા હતા. કેટલાક વિસ્તારો માટે ટોર્નેડો વોર્નિંગ પણ જાહેર કરવી પડી હતી.
એક સમયે ટોરોન્ટોમાં લગભગ 45 હજાર ગ્રાહકોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, વૃક્ષો ધરાશાયી થયા અને વાહનો પાણીમાં ફસાયા. ટોરોન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ મોડી પડી અથવા રદ કરવી પડી. એક હોસ્પિટલના ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ પર પણ પૂરની અસર થઈ હતી.

યુરોપમાં પાણી નહીં, ગરમીએ સર્જ્યો હાહાકાર
નેપાળ, ચીન અને કેનેડામાં પાણીની આફત છે તો યુરોપમાં સમસ્યા તેની અસહ્ય ગરમીનો માહોલ છે. Copernicus Climate Change Service મુજબ પશ્ચિમ યુરોપ માટે 2026નો જૂન-જુલાઈ સમયગાળો રેકોર્ડમાં સૌથી ગરમ રહ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી ગરમ અને સૂકી પરિસ્થિતિએ જંગલોમાં આગનું જોખમ પણ વધાર્યું હતું. જુલાઈ 2026માં ધ્રુવીય વિસ્તારોને બાદ કરતાં વૈશ્વિક સમુદ્રી સપાટીનું તાપમાન પણ જુલાઈ માટે રેકોર્ડ ઊંચાઈએ રહ્યું હતું.
સ્પેનમાં ઓગસ્ટ મહિનામાં જ ગરમી સાથે સંબંધિત અંદાજે 2,149 મૃત્યુ નોંધાયા હતા. 15 મેથી 31 ઓગસ્ટ વચ્ચે આ આંકડો 5,234 સુધી પહોંચ્યો હતો. બેલ્જિયમમાં પણ 18 જૂનથી 16 ઓગસ્ટ વચ્ચે સામાન્ય કરતાં આશરે 2,935 વધુ મૃત્યુ નોંધાયા હતા.અર્થાત્ કુદરતી આફતનો અર્થ માત્ર પૂર, ભૂકંપ કે વાવાઝોડું નથી. અત્યંત ગરમી ધીમે આગળ વધતી એવી આપત્તિ છે જેનો ભોગ ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને પહેલેથી બીમાર લોકો બને છે.
શું આ બધાનું કારણ ક્લાઈમેન્ટ ચેન્જ છે?
અહીં સૌથી મહત્ત્વની વાત સમજવી જરૂરી છે. કોઈ એક પૂર, ભૂસ્ખલન કે તોફાનને માત્ર ક્લાઈમેટ ચેન્જના કારણે થયું હોવાનું સીધું કહી શકાય નહીં. દરેક ઘટનામાં સ્થાનિક ભૂગોળ, વરસાદની પદ્ધતિ, સમુદ્રી સ્થિતિ, જમીનની રચના અને કુદરતી ક્લાઈમેટ વેરિએબિલિટી જેવા ઘણા પરિબળો કામ કરે છે, પરંતુ વૈજ્ઞાનિકો જે લાંબા ગાળાનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે તે ચિંતાજનક છે. આઈપીસીસી મુજબ માનવસર્જિત ક્લાઈમેટ ચેન્ડ દુનિયાના લગભગ દરેક વિસ્તારમાં વેધર અને ક્લાઈમેટ એક્સ્ટ્રીમ્સને અસર કરી રહ્યું છે. ગરમીની લહેરો વધુ વાર અને વધુ તીવ્ર બની છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ઘટનાઓની આવૃત્તિ તથા તીવ્રતા વધી છે.
બીજી તરફ વર્લ્ડ મીટરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે 2026માં મજબૂત અલ નીનો વધુ સક્રિય થઈ રહ્યો છે. ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે તે દુનિયાના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને વરસાદની અસામાન્ય પેટર્નની શક્યતા વધારી શકે છે. તેના પર પહેલેથી ગરમ સમુદ્ર અને ક્લાઈમેટ ચેન્જની લાંબા ગાળાની અસર ઉમેરાતાં જોખમ વધુ જટિલ બની શકે છે.
જોખમ માત્ર જાનહાનિનું નથી
આફતોનો સૌથી દેખાતો ચહેરો મૃત્યુ અને તબાહી છે, પરંતુ તેની અસર ત્યાં અટકતી નથી. પૂરથી રસ્તા અને પુલ તૂટે છે, ભૂસ્ખલનથી પરિવહન અટકે છે, ગરમીથી ખેતી અને વીજળીની માંગ પર અસર થાય છે અને જંગલની આગથી હવા પ્રદૂષિત થાય છે. પરિણામે ખાદ્યપદાર્થોના ભાવ, વીજળી, વીમા, પ્રવાસન અને દેશોની અર્થવ્યવસ્થા સુધી અસર પહોંચી શકે છે. એટલે આજની સૌથી મોટી ચેતવણી કદાચ કોઈ એક પૂર કે કોઈ એક તોફાન નથી. ચેતવણી એ છે કે અલગ-અલગ પ્રકારની એકસ્ટ્રીમ ઈવેન્ટ એકસાથે વધુ લોકો અને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમમાં મૂકી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દુનિયા માટે ખતરાની ઘંટડી
નેપાળના પર્વતોમાં આવેલા વિનાશક પૂરથી લઈને ચીનના ભૂસ્ખલન, કેનેડાના તોફાન અને યુરોપની જીવલેણ ગરમી સુધીની ઘટનાઓ એક જ અઠવાડિયામાં દુનિયાના અલગ-અલગ ચહેરા બતાવે છે. ક્યાંક સમસ્યા વધારે પાણીની છે, ક્યાંક જમીન ધસી રહી છે અને ક્યાંક આકાશમાંથી વરસાદ નહીં પરંતુ અસહ્ય ગરમી વરસી રહી છે. કુદરતી આફતો નવી નથી, પરંતુ બદલાતા ક્લાઈમેટમાં તેમની તીવ્રતા, અસર અને એકસાથે સર્જાતા જોખમો દુનિયા માટે મોટી ચેતવણી બની રહ્યા છે.












