ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી વીમા કંપનીઓને આંચકો, 1000 કરોડથી વધુના ક્લેઇમ્સનો બોજ

નવી દિલ્હી, 14 જૂન, 2025: અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર દુર્ઘટના બાદ ઇન્શ્યોરન્સ ક્લેઇમ રકમ રૂ. 1000 કરોડને પાર થઇ ગઇ છે. આ ઉડ્ડયન ક્ષેત્રમાં અત્યાર સુધીમાં સૌથી મોંઘો ઇન્શ્યોરન્સ ક્લેઇમ છે. એટલું જ નહીં આ રકમ સમગ્ર દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના કુલ વાર્ષિક પ્રિમીયમથી પણ વધુ છે.

વીમા કંપનીઓ પર 1,000 કરોડ રૂપિયાનો બોજ

ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રુપે વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવેલ દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવાની ઘોષણા કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 300ની આસપાસ છે ત્યારે આ ઇન્શ્યોરન્સ ક્લેઇમની રકમનો આંક રૂ. 1,000 કરોડ સુધી પહોંચી શકે છે, જેની ઉડ્ડયન ક્ષેત્ર પર મોટી અસર પડી શકે છે.

મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ આપવામાં આવશે વળતર

નિષ્ણાતો કહે છે કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના મુસાફરોના પરિવારોને મોન્ટ્રીયલ કન્વેન્શન 1999 હેઠળ વળતર મળવું જોઈએ. એટલે કે, મૃતકોના આશ્રિતોને 1,28,821 SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) ચૂકવવા પડશે, જે વર્તમાન દરો અનુસાર પ્રતિ મુસાફર રૂ. 1.4 કરોડ થાય છે.

હાલમાં, એક SDRની કિંમત રૂ. 120 છે, જે પાંચ ચલણો યુએસ ડોલર, યુરો, ચાઇનીઝ રેનમિન્બી, જાપાનીઝ યેન અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ પર આધારિત છે. જોકે, અંતિમ ચુકવણી એર ઇન્ડિયાએ તેના મુસાફરો માટે કેટલી વીમા પોલિસી લીધી છે તેના પર નિર્ભર રહેશે.

મોન્ટ્રીયલ કન્વેન્શન શું છે?

એકંદરે, મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ, હવાઈ મુસાફરી સંબંધિત વિવિધ મુદ્દાઓ માટે કાનૂની માળખું છે, જે મુસાફરોના હિતમાં છે. આ નિયમ મુજબ, જો એરલાઇન મુસાફરને થયેલા નુકસાન માટે જવાબદાર હોય, તો તેમણે ફરજિયાતપણે વળતર ચૂકવવું પડશે.

ભારતે 2009માં મોન્ટ્રીયલ કન્વેન્શન અપનાવ્યું હતું. મોન્ટ્રીયલ કન્વેન્શન (આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંધિ) હેઠળ, એરલાઇન્સને મૃત્યુના કિસ્સામાં પ્રતિ મુસાફર લગભગ $171,000 (અથવા 1,28,821 SDR) વળતર ચૂકવવાની જરૂર છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે તે પ્રતિ વ્યક્તિ $250,000 જેટલું ઊંચું હોઈ શકે છે.

બ્રોકરેજ ફર્મ હોવડેન (ઇન્ડિયા)ના એમડી અને સીઇઓ અમિત અગ્રવાલે સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું હતું કે, “વળતરની ગણતરી SDRનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે ઓક્ટોબર 2024 સુધીમાં 128,821 SDR (લગભગ SDR દીઠ 1.33 ડોલર) હતું. અંતિમ ચુકવણી એર ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા કવરેજ પર આધારિત હશે.”

આ પણ વાંચોઃ એર ઇન્ડિયા જ નહીં, દરેક કંપનીઓનો બોઇંગથી થયો મોહભંગ, હવે આ કંપનીના વેચાઇ રહ્યા છે સૌથી વધુ વિમાન

Back to top button