ટ્રેન્ડિંગનેશનલ

છાતી પર ઈજા, ગરદન પાસે નખના નિશાન… કોલકાતા ગેંગરેપ કેસમાં મેડિકલ રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

પશ્ચિમ બંગાળઃ 28 જૂન, 2025: Kolkata Gang Rape Case: કોલકાતાની એક પ્રતિષ્ઠિત લૉ કોલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મના કેસમાં મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મળતી માહિતી મુજબ, પીડિતાના ગળા પર નખના નિશાન છે. છાતી અને સાથળના અંદરના ભાગોમાં ઈજાઓ છે. આ સિવાય રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે, પીડિતાને જાતીય અને મૌખિક રીતે હેરાન કરવામાં આવી હતી. ડૉક્ટરોએ સ્પષ્ટપણે કહ્યું કે, દુષ્કર્મની શક્યતા નકારી ન શકાય.

શું આવ્યો રિપોર્ટ?

આ કેસની તપાસ દરમિયાન, ફોરેન્સિક ટીમે ત્રણ સ્વેબ સેમ્પલ લીધા છે, જેમાંથી ડીએનએ અને અન્ય જૈવિક પુરાવા એકત્રિત કરવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પીડિતાનું બ્લડ પ્રેશર રીડિંગ 120/82 અને પલ્સ રેટ 72 હતો. ગર્ભાવસ્થા પરીક્ષણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

પીડિતાનો આરોપ

પીડિતાના જણાવ્યા અનુસાર, 25 જૂને સાંજે, તેને કોલેજ કેમ્પસના ‘ડી’ બ્લોકમાં ગાર્ડ રૂમમાં બોલાવવામાં આવી હતી. ત્યાં પહેલાથી જ ત્રણ લોકો હાજર હતા, જેમણે તેને બંધક બનાવી હતી.

ત્રણ કલાક સુધી કર્યું જઘન્ય કૃત્ય

પીડિતાના આરોપો અનુસાર, પૂર્વ વિદ્યાર્થી મનોજીત મિશ્રાએ તેના પર દુષ્કર્મ આચર્યું અને અન્ય છોકરાઓ પ્રોમિત મુખર્જી અને ઝૈદ અહેમદ આખી ઘટના જોઈ રહ્યા હતા. આ બધું લગભગ 3 કલાક સુધી ચાલ્યું, જ્યાં પીડિતાને માત્ર શારીરિક ત્રાસ જ નહીં પરંતુ માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો. આ સિવાય તેના બોયફ્રેન્ડને મારી નાંખવાની પણ ધમકી આપવામાં આવી અને તેના માતા-પિતાને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. પીડિતાએ માંડ-માંડ ત્યાંથી પોલીસ સ્ટેશન પહોંચી.

પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

કોલકાતા પોલીસની શરૂઆતની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપીએ પીડિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે પહેલાથી જ રિલેશનશીપમાં હતી અને તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. આ ઈનકાર આરોપીથી સહન થયો નહીં. ત્યારબાદ, તેણે તેના મિત્રો સાથે મળીને પોતાની વાસનાનો શિકાર બનાવી. આ કેસની ગંભીરતા જોઈને, કોલકાતા પોલીસે 5 અધિકારીઓની એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.

પાંચ સભ્યની SIT કરી રહી છે તપાસ

આ કેસના દરેક સ્તરને ઉજાગર કરવાની જવાબદારી SITને સોંપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ત્રણ આરોપી વિદ્યાર્થીઓ અને કોલેજના એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે, જે તે રાત્રે કેમ્પસમાં હાજર હતો. પોલીસ હવે કોલ ડિટેલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ, ઈ-મેલ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ કેસને લઈને રાજ્યમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. વિરોધ પક્ષ ભાજપ સહિતના અનેક સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આ ડિફેન્સ મ્યુચ્યુઅલ ફંડ્સે કર્યા માલામાલ, રોકાણકારોને 6 મહિનામાં આપ્યું 30% થી વધુ વળતર

આ પણ વાંચોઃ કલમ 370 દૂર કરતી વખતે અમને બાબાસાહેબ યાદ આવ્યા હતા, CJI ગવઈએ કેમ આવું કહ્યું?

Back to top button