ન અબજોની દોલતનો ઘમંડ, ન નામની ચાહત! ભારતનો આ અબજોપતિ રોજ કરે છે 7 કરોડનું દાન

નવી દિલ્હી: 7 નવેમ્બર, 2025: એક તરફ જ્યાં લોકો નામ અને ખ્યાતિ પાછળ દોડી રહ્યા છે, ત્યાં ભારતમાં એક એવા અબજોપતિ પણ છે જે કોઈ પણ પ્રચાર વિના પોતાની કમાણીનો મોટો હિસ્સો રોજ દાન કરે છે. દેશમાં જ્યારે પણ મોટા દાનવીરની વાત થાય છે, ત્યારે સૌપ્રથમ નામ HCL (એચસીએલ) ના ફાઉન્ડર શિવ નાદરનું આવે છે.
80 વર્ષીય શિવ નાદર સફળતાની વાર્તાની સાથે તેમની નમ્રતા અને સમાજસેવાની ભાવના માટે પણ જાણીતા છે. અબજોની સંપત્તિના માલિક હોવા છતાં, શિવ નાદર પોતાની સંપત્તિ દેખાડવાને બદલે સમાજના કલ્યાણમાં લગાવવામાં વિશ્વાસ રાખે છે. દરરોજ 7 કરોડથી વધુનું દાન કરનારા શિવ નાદરને દેશના સૌથી મોટા પરોપકારી કહી શકાય.
2025ના સૌથી મોટા દાનવીર બન્યા શિવ નાદર
હુરુન પરોપકાર લિસ્ટ 2025 મુજબ, શિવ નાદરે વર્ષ 2025માં 2708 કરોડનું દાન કરીને દેશના સૌથી મોટા પરોપકારીનો ખિતાબ હાંસલ કર્યો છે. તેઓ સતત પાંચ વર્ષમાંથી ચાર વખત આ લિસ્ટમાં પ્રથમ સ્થાને રહ્યા છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી ફેમિલી 626 કરોડના દાન સાથે બીજા સ્થાને અને બજાજ ફેમિલી 446 કરોડના દાન સાથે ત્રીજા સ્થાને રહી છે.
ગેરેજમાંથી શરૂ કરી હતી HCL
શિવ નાદરની સફર મહેનત અને સાચી નિયતનું પ્રમાણ છે. વર્ષ 1976માં શિવ નાદરે પાંચ મિત્રો સાથે મળીને એક નાના ગેરેજમાંથી HCLની શરૂઆત કરી હતી. તે સમયે કંપની કેલ્ક્યુલેટર અને માઇક્રોપ્રોસેસર બનાવતી હતી. આજે આ જ કંપની દુનિયાના 60 દેશોમાં બિઝનેસ કરે છે અને 2,23,000થી વધુ લોકોને રોજગારી આપે છે.
શિક્ષણ અને સંસ્કૃતિ પર થાય છે ખર્ચ
રિપોર્ટ મુજબ, આ વર્ષે શિવ નાદરનું દાન ગયા વર્ષની સરખામણીમાં 26% વધારે છે. તેમણે પોતાના શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા જે રકમનું દાન કર્યું છે, તે મુખ્યત્ત્વે શિક્ષણ, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં ખર્ચવામાં આવી છે.
વર્ષ 2020માં શિવ નાદરે HCL ટેક્નોલોજીસના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું અને હવે તેમની દીકરી રોશની નાદર મલ્હોત્રા કંપનીની બાગડોર સંભાળી રહી છે. તેઓ પણ પિતાની જેમ સમાજસેવાને પોતાની પ્રાથમિકતા માને છે.
આ પણ વાંચોઃ પત્નીના રૂમમાં કેમેરા, ભાઈને બનાવ્યો ‘જેમ્સ બોન્ડ’… ફેમિલી કોર્ટમાં પતિની ચાલ આવી સામે
આ પણ વાંચોઃ 13 રૂપિયામાં શર્ટ… ઑફર સાંભળતા જ ઉમટી પડ્યા લોકો, સેલનો વીડિયો વાઈરલ થતા દુકાન જ બંધ કરી દેવી પડી!











