ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પહોંચી ટોપ 5 માં, ત્રણ વર્ષે મળ્યું ફરી સ્થાન
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ત્રણ વર્ષ બાદ બેડમિન્ટનની વિશ્વ રેન્કિંગમાં ટોપ પાંચમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. BWF વર્લ્ડ રેન્કિંગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં 27 વર્ષની સિંધુ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. સિંધુની ઈજા છતાં તેની રેન્કિંગમાં સુધારો થયો છે. સિંધુ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ બાદ ઈજાગ્રસ્ત છે અને તેણે કોઈ ટુર્નામેન્ટ રમી નથી. સિંધુ વર્તમાન રેન્કિંગમાં 87,218 પોઈન્ટ સાથે છઠ્ઠાથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. સિંધુએ આ વર્ષે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેણીનો બીજો ગોલ્ડ અને એકંદરે પાંચમો મેડલ હતો. સિંધુએ 2018 ગોલ્ડ કોસ્ટ ખાતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય તેણીએ બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સિંધુ 2018 માં બીજા નંબરે પહોંચી હતી
ઉલ્લેખનીય છે કે, સિંધુ છેલ્લે સપ્ટેમ્બર 2019માં વિશ્વની ટોચની પાંચ રેન્કિંગમાં સામેલ થઈ હતી. આ મહિને ટોચના પાંચમાં પ્રવેશતા પહેલા તે આ વર્ષની શરૂઆતમાં આઠમા સ્થાને આવી ગઈ હતી. સિંધુ થોડા સમય માટે સાતમા સ્થાને રહી, કારણ કે BWF એ કોરોનાને કારણે વર્લ્ડ રેન્કિંગ સ્થિર કરી દીધું હતું. પીવી સિંધુનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ વિશ્વ રેન્કિંગ ઓક્ટોબર 2018માં આવ્યું હતું જ્યારે તેણી બીજા નંબરે આવી હતી. સિંધુ આ વર્ષની શરૂઆતમાં કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો પ્રથમ સિંગલ્સ ગોલ્ડ મેડલ જીત્યા બાદથી એક્શનમાંથી ગાયબ છે. ટૂર્નામેન્ટ દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ઇજા હોવા છતાં, તેણીએ રમવાનું ચાલુ રાખ્યું હતું. સિંધુ સોમવારે કોર્ટમાં પરત ફરી છે અને તેણે તેની તાલીમ શરૂ કરી છે. હવે તેની નજર આ વર્ષના અંતમાં યોજાનારી વર્લ્ડ ટૂર ફાઇનલમાં મેડલ જીતવા પર રહેશે.
પીવી સિંધુએ મેળવેલી સિદ્ધિઓ ઉપર એક નજર
પીવી સિંધુએ 2016 ઓલિમ્પિકમાં સિલ્વર અને 2020 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ મેડલ જીત્યા છે. તેણે 2019માં ગોલ્ડ, 2018 અને 2017માં સિલ્વર અને 2013-2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં સિંધુએ મહિલા ટીમ સાથે 2018માં સિલ્વર અને 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુએ કોમનવેલ્થમાં ટીમ ઈવેન્ટમાં એક સિલ્વર, એક બ્રોન્ઝ અને એક ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યો છે. તેણે 2014માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.











