ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

કેમ ભારત દુનિયાની મોટામાં મોટી એરલાઇન્સ માટે બન્યું ‘કબ્રસ્તાન’? જાણો કેમ નથી ટકી શકતી કોઈ કંપની

નવી દિલ્હી: 5 ડિસેમ્બર, 2025: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રનો સૌથી જૂનો મજાક આજે પણ સૌથી સચોટ છે: “જો તમે વહેલી તકે નાની મૂડી બનાવવા માંગો છો, તો મોટી મૂડી લઈને એરલાઇન શરૂ કરો.” આ કહેવા પાછળનું કારણ પણ છે. 1991ના ઉદારીકરણ પછી અત્યાર સુધીમાં ભારતે ઓછામાં ઓછી બે ડઝન એરલાઇન્સને દફનાવી દીધી છે. ઇસ્ટ-વેસ્ટથી લઈને ગોફર્સ્ટ સુધી, દરેક મોટું સપનું દેવું, કોર્ટ-કચેરી અને અંતે જમીન પર ઊભેલા વિમાનોમાં સમાપ્ત થયું. દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું બજાર હોવા છતાં ભારત એરલાઇન્સ માટે સૌથી ખતરનાક કબ્રસ્તાન સાબિત થયું છે.

1990નો પ્રથમ ઝટકો: પ્રાઇવેટ પ્લેયર્સની પૂર

1991ના આર્થિક સંકટ અને ઉદારીકરણના સમયગાળાએ નવા દરવાજા ખોલ્યા, જેના પછી નવી એરલાઇન્સની પૂર આવી ગઈ. 1992માં ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ દેશની પ્રથમ પ્રાઇવેટ શેડ્યૂલ્ડ એરલાઇન બની. ત્યારબાદ જેટ, દમાનિયા, મોદીલુફ્ટ, એનઇપીસી જેવી કંપનીઓ આવી. બધાએ ઈન્ડિયન એરલાઇન્સને ટક્કર આપવાનું નક્કી કર્યું. એટલે કે બહેતર સર્વિસ, નવા વિમાનો અને સસ્તું ભાડું. પરંતુ દાયકો પૂરો થતાં પહેલાં જ મોટા ભાગની કંપનીઓ ‘ગાયબ’ થઈ ગઈ.

જેટલી ઝડપી ઉડાન, તેટલું ઝડપી મોત

  • ઇસ્ટ-વેસ્ટ (1991-1996):કેરળના ઠેકેદાર થાકિઉદ્દીન વાહિદની કંપનીએ ઈન્ડિયન એરલાઇન્સ કરતાં પણ સસ્તું ભાડું રાખ્યું. 1995 સુધીમાં બેન્કોએ લોન બંધ કરી દીધી અને કંપનીનું દેવાળું ફૂંકાઇ ગયું. નવેમ્બર 1995માં વાહિદની ગોળી મારીને હત્યા કરવામાં આવી.
  • દમાનિયા એરલાઇન્સ (1993-1997):આ એરલાઇને બોમ્બે-ગોવા જેવા શોર્ટ રૂટ પર પ્રીમિયમ સર્વિસ આપી, પણ ભાડાથી કોસ્ટ કવર ન થઈ. દર મહિને નુકસાન થતાં 1997માં વિમાન સહારોને વેચીને બંધ થઈ ગઈ.
  • મોદીલુફ્ટ (1993-1996):મોદી રબર અને જર્મન દિગ્ગજ લુફ્થાન્સા વચ્ચે પૈસાના ઉપયોગને લઈને જોરદાર ઝઘડો થયો. 1996માં લુફ્થાન્સાએ એક જ રાતમાં પોતાના તમામ વિમાનો પાછા ખેંચી લીધા અને ડીજીસીએએ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું.

એરલાઇન્સ બંધ થવાનું શું છે કારણ?

વિમાનો 100% લીઝ પર, પોતાની મૂડી લગભગ શૂન્ય, રૂપિયો ગગડતાં ડૉલરનું ચૂકવણું આસમાને પહોંચ્યું, અને ભાડાની હરીફાઈમાં ભારે નુકસાન. જેવું કેશ ફ્લો અટક્યો, વિમાન ભાડે આપનારી કંપનીઓ જહાજ ઉઠાવી ગઈ.

સહારા: સૌથી મોટી મહત્વાકાંક્ષા

  • એર સહારા (1993-2007):આ એરલાઇને બોમ્બે-દિલ્હીનું વન-વે ભાડું માત્ર રૂ. 2,999 રાખ્યું, જેનાથી માર્કેટમાં હલચલ મચી ગઈ. 1997-98ના પૂર્વ એશિયાઈ નાણાંકીય સંકટથી રૂપિયો ગગડ્યો અને લીઝનું ભાડું 20% ઊછળ્યું. નુકસાન વધતાં 1998માં જેટ એરવેઝને હિસ્સો વેચ્યો અને 2007માં આખી કંપની વેચી દીધી, જેનું નામ જેટલાઇટ પડ્યું. 2019માં જેટ એરવેઝ ખતમ થઈ, ત્યારે જેટલાઇટ પણ તેની સાથે દફન થઈ ગઈ.

2000નો લો-કોસ્ટ બૂમ

  • એર ડેક્કન (2003):’ચંપલવાળા પણ ઉડશે’નો નારો આપીને ભાડું ટ્રેન કરતાં પણ સસ્તું કરી દીધું.
  • કિંગફિશર (2005-2012):ડેક્કનને ખરીદીને વિજય માલ્યાએ લક્ઝરીમાં ડુબાડી અને 2012માં રૂ. 8,000 કરોડના દેવા સાથે ડૂબાડી દીધી.
  • ગોફર્સ્ટ:1990ની બચેલી જેટ એરવેઝ 2019માં પડી ભાંગી. ગોફર્સ્ટ પણ 2023માં દેવાળું ફૂંક્યું.

તે જાળ જે આજે પણ નથી તૂટી

નિષ્ણાતો કહે છે કે, ‘માળખાગત જાળ આજે પણ એવી જ છે.’

  • ATF: જેટ ફ્યુઅલ (ATF) ભારતીય એરલાઇન્સના કુલ ખર્ચનો 40-45% હિસ્સો ખાઈ જાય છે, જે દુનિયામાં ક્યાંય આટલો નથી.
  • કોમ્પિટિશન અને ડૉલર:સતત સસ્તું ભાડું રાખવાની હરીફાઈ અને ફ્યુઅલ, લીઝ, મેઇન્ટેનન્સનો મોટાભાગનો ખર્ચ ડૉલરમાં થવાથી, રૂપિયામાં જરા પણ ઝટકો લાગે તો આખું મોડેલ તૂટી પડે છે.

જે હજી પણ શ્વાસ લઈ રહ્યા છે

  • ઇન્ડિગો:આજે પણ નો-ફ્રિલ્સ (બિન-જરૂરી ખર્ચ વિના), ઓછા દેવા અને એક જ પ્રકારના વિમાનોના મોડેલ સાથે ટકી છે.
  • એર ઇન્ડિયા:ટાટાએ નવું જીવન આપ્યું છે, પણ લાંબી દોડ હજી બાકી છે.
  • અકાસા:નવો દાવ લગાવી રહી છે.

ભારતનું આકાશ જેટલું ચળકતું દેખાય છે, એરલાઇન કંપનીઓ માટે તેટલું જ ખતરનાક સાબિત થાય છે. એટલે જ ઉડ્ડયનનો સૌથી જૂનો મજાક આજે પણ સૌથી સાચો છે.

 

Back to top button