ટીમ ઈંડિયાએ ઈતિહાસ રચી દીધો: ઈંગ્લેન્ડને ઘરમાં ઘૂસીને હરાવ્યું, પહેલી વાર જીતી ટી20 સિરીઝ

IND vs ENG Women’s T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ભારતની મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ઇંગ્લેન્ડની ટીમને તેમની જ ધરતી પર હરાવી સિરીઝ જીતી છે. પહેલી વાર ભારતે ત્યાં T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ટીમનો આ પરાક્રમ વર્ષો સુધી યાદ રહેશે.
ભારતે ચોથી T20 જીતી, ઈતિહાસ રચી દીધો
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે 5 T20 મેચની સિરીઝ ચાલી રહી છે. ભારત 2-1થી આગળ હતું. સિરીઝની ચોથી મેચ ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી, જ્યાં ઇંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે 127 રનના ટાર્ગેટનો પીછો કરીને માત્ર 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. મેચમાં રાધા યાદવને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા અને કુલ 2 વિકેટ લીધી હતી.
View this post on Instagram
ભારતે સિરીઝમાં ૩-૧થી લીડ મેળવી લીધી છે. ભારતીય મહિલા ટીમે ટી-૨૦ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલી અને બીજી મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્રીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડની ટીમનો હાથ ઉપર રહ્યો હતો. સિરીઝ બરાબર કરવા માટે ઈંગ્લેન્ડને ચોથી મેચ જીતવાની ખૂબ જ જરૂર હતી. જોકે, તેમનું નસીબ ખરાબ રહ્યું અને તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝમાં હજુ એક મેચ બાકી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી T20 મેચ ક્યારે રમાશે?
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે સિરીઝની પાંચમી અને અંતિમ મેચ 12 જુલાઈ 2025 ના રોજ એજબેસ્ટન ખાતે જોવા મળશે. તાજેતરમાં, પુરુષ ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને વર્ષોના દુષ્કાળનો અંત લાવ્યો અને એજબેસ્ટન ખાતે પોતાની પહેલી જીત નોંધાવી. હવે ભારતીય મહિલા ટીમ પણ એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડને હરાવીને સિરીઝ 4-1 થી સમાપ્ત કરવા માંગશે.
આ પણ વાંચો: ભારત-યુએસ સોદોઃ પહેલા તબક્કાની વાત પૂરી, હવે વ્હાઇટ હાઉસને નિર્ણય લેવાનો છે












