ભારતે અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, રાજનાથ સિંહે આપી શુભેચ્છા

Agni-4 Ballistic Missile : ભારતે ગુરુવારે ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું.
રક્ષા મંત્રાલયે આપી સત્તાવાર માહિતી
રક્ષા મંત્રાલયે જણાવ્યું કે પરીક્ષણ દરમિયાન તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા. મિસાઇલે નિર્ધારિત લક્ષ્યાંકોને સફળતાપૂર્વક હાંસલ કર્યા અને સમગ્ર મિશન યોજના મુજબ પૂર્ણ થયું.
રાજનાથ સિંહે DRDO અને SFCને અભિનંદન પાઠવ્યા
સફળ પરીક્ષણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની આધુનિક રક્ષા ટેક્નોલોજી અને દેશની સુરક્ષા મજબૂત બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
અગ્નિ-4ની ખાસિયતો શું છે?
અગ્નિ-4 ભારતની અત્યંત શક્તિશાળી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલોમાંની એક છે. આ મિસાઇલ આશરે 4,000 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદવાની ક્ષમતા ધરાવે છે અને પરમાણુ હથિયારો પણ વહન કરી શકે છે. તેની ક્ષમતાને કારણે ભારતની વ્યૂહાત્મક પ્રતિરક્ષા વધુ મજબૂત બની છે.
ભારતની રક્ષણ ક્ષમતામાં વધુ વધારો
તાજેતરના વર્ષોમાં ભારત સતત પોતાની સ્વદેશી મિસાઇલ અને સંરક્ષણ ટેક્નોલોજીને વધુ મજબૂત બનાવી રહ્યું છે. મે મહિનામાં MIRV ટેક્નોલોજીથી સજ્જ અદ્યતન અગ્નિ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ હવે અગ્નિ-4નું સફળ લોન્ચ દેશની રક્ષણ વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : મેટાને 567 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ, યુવાનોને નુકસાન બદલ કોર્ટનો નિર્ણય












