ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારતે ચીનની ‘બેલ્ટ એન્ડ રોડ’ પહેલનો કર્યો વિરોધ, SCO દેશ ડેવલપમેન્ટ બેન્ક બનાવવા માટે સંમત

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર, 2025: શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભારતે ફરી એક વખત ચીનની મહત્ત્વાંકાક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવ (BRI)ને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો છે. ભારત સંગઠનનો એક માત્ર સભ્ય દેશ છે જેણે આ પરિયોજના પર પોતાની મહોર મારી નથી. સંમેલનના અંતમાં જારી ઘોષણા પત્રમાં રશિયા, બેલારુસ, ઇરાન, કઝાખસ્તાન, કિર્ગીસ્તાન, પાકિસ્તાન, તાઝિકીસ્તાન અને ઉઝબેકિસ્તાને BRIને સમર્થન આપ્યું હતું, પરંતુ ભારત પોતાના જૂના વલણને વળગી રહ્યુ હતું. ત્યારે આ દરમિયાન ભારત સહિત દરેક સભ્ય દેશોએ વિકાસ બેન્ક (Development Bank) સ્થાપિત કરવા માટે મંજૂરી આપી છે.

બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો ભારતનો આ વિરોધ નવો નથી. આ પહેલા પણ ભારતે કોઈપણ SCO મીટિંગ કે સમિટમાં BRIને ટેકો આપ્યો ન હતો. ચીનનો આ મેગા કનેક્ટિવિટી પ્રોજેક્ટ એશિયાથી યુરોપ અને આફ્રિકા સુધીના આર્થિક કોરિડોર બનાવવાની યોજના ધરાવે છે. પરંતુ ભારત તેને તેની સાર્વભૌમત્વની વિરુદ્ધ માને છે કારણ કે તેમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો સમાવેશ થાય છે, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી પસાર થાય છે.

શા માટે ભારતનો વાંધો

ભારતનો સૌથી મોટો વાંધો એ છે કે BRIનો એક ભાગ PoKમાંથી પસાર થાય છે. ભારત માને છે કે આ તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જો કોઈ કનેક્ટિવિટી પ્રોજેક્ટ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને અવગણે છે, તો તે વિશ્વાસ અને મહત્વ બંને ગુમાવે છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે SCO ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોમાં સાર્વભૌમત્વ અને પરસ્પર આદરને સર્વોચ્ચ રાખવામાં આવ્યો છે.

અન્ય દેશોનો ટેકો

ભારતના વિરોધ છતાં, મોટાભાગના SCO સભ્ય દેશો ચીનના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના સમર્થનમાં જોવા મળ્યા હતા. ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે સભ્ય દેશોએ આ પ્રોજેક્ટના અમલીકરણને આગળ વધારવા અને તેને યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે જોડવાની શક્યતાઓની નોંધ લીધી છે. તેમાં વ્યાપક, ખુલ્લા અને પરસ્પર લાભદાયી સહયોગ માટે હાકલ કરવામાં આવી હતી. ચીન સતત આ પ્રોજેક્ટને વૈશ્વિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી રહ્યું છે.

ડેવલપમેન્ટ બેંકને મંજૂરી આપવામાં આવી

સમિટમાં બધા સભ્ય દેશોએ ડેવલપમેન્ટ બેંકની સ્થાપનાને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવ ચીન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને લગભગ દસ વર્ષની ચર્ચા પછી તેના પર સંમતિ સધાઈ હતી. સોમવારે આ જાહેરાત કરતા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે આ બેંક પ્રાદેશિક સામાજિક વિકાસ અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા, 25Kની નજીક સરકતી નિફ્ટી

Back to top button