ભારતમાં વાયુ પ્રદૂષણની પરિસ્થિતિ વિશ્વભરમાં ચિંતાનું કારણ કેમ બની રહી છે?

આજકાલ, ભારતમાં દરરોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની અસર વિશે ચર્ચા થાય છે, પરંતુ વિશ્લેષકો કહે છે કે આ સમયે, વાયુ પ્રદૂષણ ભારત માટે ટેરિફ કરતાં મોટી સમસ્યા છે.
ભારતમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સંકટ બની ગયું છે. ધ લેન્સેટ અનુસાર, 2022 માં દેશમાં પ્રદૂષણને કારણે આશરે 17 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. વિશ્વ વિખ્યાત જર્નલ ‘ધ લેન્સેટ’ના સંપાદક અને વૈશ્વિક આરોગ્ય નિષ્ણાત રિચાર્ડ હોર્ટને ભારતને અરીસો બતાવતા કઠિન પ્રશ્નો ઉભા કર્યા છે.
તેમણે કહ્યું કે ભારત પ્રદૂષિત હવાથી મરી રહ્યું છે, અને આ માટે કોઈને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા નથી. આખરે ભારતનું લોકતંત્ર સ્વચ્છ હવાની માંગ કેમ નથી કરી રહ્યું, અને લોકો તેના પર સવાલ કેમ નથી ઉઠાવતા? વાયુ પ્રદૂષણ પ્રત્યે ભારત સરકારની ગંભીરતાનો અભાવ રહસ્યમય અને અજીબ છે. તેમણે દલીલ કરી હતી કે અસલી સમસ્યા લોકોની ઉદાસીનતા અને રાજકીય જવાબદારીના અભાવમાં રહેલી છે.
ભારત વાયુ પ્રદૂષણનો સામનો કરવામાં નિષ્ફળ
અહેવાલો અનુસાર, હોર્ટને કહ્યું કે તે ચિંતાજનક છે કે એક જીવંત લોકશાહી હોવા છતાં, ભારત વધતા જાહેર આરોગ્ય સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યું છે. ચીનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે બેઇજિંગ જેવા શહેરોમાં વર્ષો સુધી ગૂંગળામણભરી હવા અને પ્રદૂષણનો સામનો કર્યા પછી, ચીને પરિસ્થિતિ સુધારવા માટે મજબૂત અને નક્કર પગલાં લીધાં, જ્યારે ભારત હજુ પણ આ દિશામાં ઘણુ પાછળ છે.
જનસંખ્યાના મુદ્દાઓ, પર્યાવરણીય સ્વાસ્થ્યના હિમાયતી અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નીતિને પુનર્નિર્માણ કરવા માટે જાણીતા વૈશ્વિક નેતા રિચાર્ડ હોર્ટને ભારતની પરિસ્થિતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. હોર્ટને કહ્યું કે તેમને આશ્ચર્ય થાય છે કે ભારતમાં પ્રદૂષણ જેવા ગંભીર મુદ્દા પર કોઈ નોંધપાત્ર વિરોધ થયો નથી.
તેમણે પૂછ્યું, “ભારત એક મજબૂત લોકશાહી હોવા છતાં, મને આ ચિંતાજનક લાગે છે. જનતા કેમ ચિંતિત નથી? તેઓ સરકારને વધુ પ્રશ્નો કેમ નથી પૂછતા? તેઓ કેમ નથી કહેતા કે આ અસ્વીકાર્ય છે અને જો તમે તેને સુધારશો નહીં, તો અમે તમને દૂર કરવા માટે અમારા મતોનો ઉપયોગ કરીશું.”
ઝેરી હવા ટેરિફ કરતાં પણ મોટો ખતરો
તેમની આ ટિપ્પણીઓ અર્થશાસ્ત્રીઓ અને આરોગ્ય નિષ્ણાતોની વધતી ચિંતાઓ વચ્ચે આવી છે. બુધવારે, IMF ના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જીનીવામાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર માટે હાલમાં સૌથી મોટો ખતરો ટેરિફ નહીં, પરંતુ વાયુ પ્રદૂષણ છે. પ્રદૂષણ ભારતને પૈસા અને માનવ જીવન બંનેની દ્રષ્ટિએ ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે, અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
વર્લ્ડ બેંકના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે 2022 માં ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે અંદાજે 17 લાખ મૃત્યુ થયા હતા.
વર્લ્ડ બેંકે પણ આપી ચેતવણી
ગયા અઠવાડિયે વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલે આ સંકટની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે. અહેવાલ મુજબ ભારતની અંદાજે 1.4 અબજ વસ્તીનો 100 ટકા ભાગ અનેક સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થનારા સૌથી હાનિકારક હવા પ્રદૂષક PM2.5ના જોખમી સંપર્કમાં છે. આ સ્થિતિ જાહેર આરોગ્ય માટે એક મોટી ચેતવણીરૂપ છે.
વર્ષના મોટાભાગના સમય દરમિયાન, કોઈપણ મોટા ભારતીય શહેરમાં એર કોલેટી ઇન્ડેક્સ 50 કે તેથી ઓછો હોતો નથી, જેને “સારો” માનવામાં આવે છે. ઉત્તર ભારતના મોટા ભાગોમાં ઘણીવાર AQI સ્તર 400 થી ઉપર હોય છે. ખાસ કરીને શિયાળામાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરી વિસ્તારોમાંના એક છે.
ધીમા મૃત્યુ માટે કોઈ જવાબદારી નથી
હાર્ટનનું માનવું છે કે પ્રદૂષણથી થતા રોગો અને તેનાથી થતી મોત ધીમે-ધીમે થાય છે, જેના કારણે જાહેર જનતા અને નીતિ નિર્માતાઓ બંને જવાબદારીથી બચી જાય છે. તેમણે કહ્યું, “વાયુ પ્રદૂષણનું ગંભીર સ્તર હૃદય રોગ, શ્વસન સમસ્યાઓ અને ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે, પરંતુ આમાંથી કંઈ પણ એક દિવસમાં, એક અઠવાડિયામાં કે એક વર્ષમાં થતું નથી. જાન્યુઆરી 2026 માં તમે જે પ્રદૂષણનો સામનો કરશો તેની અસરો 12, 18 અથવા 24 મહિના પછી દેખાશે.”
હોર્ટને ઉમેર્યું, “જો મને કોઈ કાર ટક્કર મારે, તો મારું જીવન તરત જ સમાપ્ત થઈ જાય. પ્રદૂષણના કિસ્સામાં આવું નથી.”
તેમણે કહ્યું કે નીતિઓ બનાવવાવાળાઓ જાણે છે કે આની સૌથી ખરાબ અસરો ભવિષ્યમાં થશે અને તેથી તેઓ હાલમાં કાર્યવાહી કરવા માટે વધુ દબાણ અનુભવતા નથી.
ચીનની સરખામણી કરતા, હોર્ટને કહ્યું કે એક સમયે, બેઇજિંગમાં પ્રદૂષણનું સ્તર એટલું ગંભીર હતું કે તે હવામાં પણ અનુભવી શકાતું હતું. ત્યારબાદ ચીને શહેરમાં અને તેની આસપાસ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરી દીધા અને વાહનોના ઉપયોગ પર કડક પ્રતિબંધો લાદ્યા.
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના માનદ પ્રોફેસર હોર્ટને ઉમેર્યું, “હવામાનની દ્રષ્ટિએ બેઇજિંગ જવુ હવે ગામમાં જવા જેવું લાગે છે. તે ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે,”
આ પણ વાંચો: દુલ્હને આ રીતે કેચ કર્યા રસગુલ્લા, વીડિયો જોઈને લોકોએ મજાકમાં ધોની સાથે કરી કમ્પેર












