ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જો વૈશ્વિક તાપમાન વધશે તો અર્થવ્યવસ્થા 40 ટકા સુધી ઘટશે

નવી દિલ્હી, 7 એપ્રિલ, 2025: જો વૈશ્વિક તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સીયસનો વધારો થશે તો આ સદીના અંત સુધીમાં કુલ ઘરેલુ પેદાશ (જીડીપી)માં 40 ટકાનો ઘટાડો આવી શકે છે. અગાઉ કરવામાં આવેલા અભ્યાસ આ ઘટાડો 11 ટકા ધારવામાં આવ્યો હતો પરંતુ નવા અભ્યાસ અનુસાર જાણવા મળ્યુ છે કે વાસ્તવિક નુકસાન તેનાથી ચાર ગણુ વધુ થઇ શકે છે. આ અભ્યાસ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સના વૈજ્ઞાનિકોએ કર્યો છે અને તેનું તારણ એનવાયર્નમેન્ટલ રિસર્ચ લેટરમાં પ્રકાશિત થયુ છે.

અભ્યાસ અનુસાર, જો તાપમાનમાં વધારો બે ડિગ્રી સુધી મર્યાદિત રહે તો પણ માથાદીઠ સરેરાશ જીડીપી 16 ટકા સુધી ઘટી શકે છે. આ અગાઉના અંદાજો કરતાં વધુ ગંભીર પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે, જેમાં માત્ર 1.4 ટકાનો ઘટાડો અંદાજવામાં આવ્યો હતો. તાપમાનમાં વધારો વૈશ્વિક અર્થતંત્રના વિકાસ દરને ધીમો પાડશે અને વિશ્વભરના લોકોના જીવનને અસર કરશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે રશિયા અને ઉત્તર યુરોપ જેવા ઠંડા દેશોને આબોહવા પરિવર્તનથી ફાયદો થઈ શકે છે, પરંતુ નવા તારણો સૂચવે છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને નુકસાન એટલું વ્યાપક હશે કે તમામ દેશો પ્રભાવિત થશે, કારણ કે તેઓ એકબીજાની સપ્લાય ચેઇન પર નિર્ભર છે.

અસાધારણ હવામાન ઘટનાઓથી અર્થતંત્ર પર ભારે અસર

ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતી આફતો અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે. દુષ્કાળના કારણે પાક નાશ પામી રહ્યો છે. પૂર અને વાવાઝોડાને કારણે ઈમારતો ધ્વસ્ત થઈ રહી છે. સપ્લાય ચેન ખોરવાઈ રહી છે, જેના કારણે માલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તનને કારણે ઉત્પાદનને અસર થઈ રહી છે, જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધી રહ્યા છે.

ગરમીમાં કામ કરવાની ક્ષમતા અને આરોગ્ય માટે ગંભીર ખતરો.

સંશોધકોનું કહેવું છે કે વધતી જતી ગરમી માત્ર લોકોની કાર્યક્ષમતા પર અસર નથી કરી રહી પરંતુ તેના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. ભારે ગરમીના કારણે રોગોનો ખતરો વધી રહ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ચેપી રોગો એવા વિસ્તારોમાં પણ ફેલાવા લાગ્યા છે જે અગાઉ જોવા મળ્યા ન હતા. જળવાયુ પરિવર્તનને કારણે સંઘર્ષ અને વિસ્થાપનની ઘટનાઓ પણ વધી રહી છે.

આ પણ વાંચોઃ 9% હિંદુઓ અમારી સાથે ઉભા રહેશે તો રામ રાજ્યની સ્થાપના થશે : મિથુન ચક્રવર્તી

Back to top button