ટ્રેન્ડિંગનેશનલ

હૈદરાબાદની હોટલમાં પબ ડાન્સરનું રહસ્યમય મોત, બર્થડે ગિફ્ટના વીડિયો કોલ અને પૈસાના વિવાદથી સસ્પેન્સ વધ્યું

National News: તેલંગાણાના હૈદરાબાદમાં 26 વર્ષની પબ ડાન્સર રેણુકાની એક હોટલના રૂમમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં થયેલી મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. લંગર હૌઝ વિસ્તારમાં આવેલી હોટેલ ગ્રાન્ડ લોજના રૂમમાંથી રેણુકાનો મૃતદેહ મળતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા અને હત્યા બંને સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.

પરિવારથી અલગ રહેતી હતી રેણુકા

પોલીસના જણાવ્યા અનુસાર રેણુકાના લગ્ન લગભગ આઠ વર્ષ પહેલાં થયા હતા અને તેને એક પુત્ર પણ છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તે પરિવારથી અલગ રહેકી હતી. તે પોતાની મિત્ર સત્યા સાથે કુકટપલ્લી વિસ્તારમાં રહેતી હતી અને કિંગ્સ એન્ડ ક્વીન્સ પબમાં ડાન્સર તરીકે કામ કરતી હતી.

પૈસાના વિવાદે લીધો ગંભીર વળાંક?

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રેણુકાની ઓળખ આરિફ, ફારૂક, સોહેલ અને રાજેશ નામના લોકો સાથે હતી. ઘટના પહેલા તેઓ હોટલમાં રોકાયા હતા. પોલીસને પ્રબળ આશંકા છે કે રાત્રે પૈસાની લેવડદેવડને લઈને કોઈ વિવાદ થયો હોઈ શકે છે, ત્યાર બાદ આ ઘટના બની હશે.

મોત પહેલાં કર્યો હતો વીડિયો કોલ

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મોત પહેલાં રેણુકાએ પોતાની રૂમમેટ અને મિત્ર સત્યાને વીડિયો કોલ કર્યો હતો. આ કોલ દરમિયાન ‘બર્થડે ગિફ્ટ’ અંગે વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો કોલ હવે સમગ્ર તપાસનો મહત્ત્વનો ભાગ બની ગયો છે.

આત્મહત્યા કે હત્યા? બે અલગ-અલગ દાવા

ફારૂકે પોલીસને જણાવ્યું કે તે થોડા સમય માટે રૂમની બહાર ગયો હતો અને પરત ફરતા રૂમ અંદરથી બંધ હતો. રૂમ ખોલતા રેણુકા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બીજી તરફ રેણુકાના પરિવારજનોએ આ દાવાને નકારી કાઢ્યો છે. તેમનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં, પરંતુ પૂર્વનિયોજિત હત્યા છે. પરિવારજનોએ ફારૂક અને તેના સાથીઓ પર ગંભીર શંકા વ્યક્ત કરી છે.

ફોરેન્સિક રિપોર્ટની રાહ

પોલીસે સ્થળ પરથી મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ફારૂકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જ્યારે આરિફ, સોહેલ અને રાજેશની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ આત્મહત્યા હતી કે હત્યા.

આ પણ વાંચોઃ 35 વર્ષની Kriti Sanon લગ્ન કરશે? બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે વેડિંગની ચર્ચા, જીજાજી સ્ટેબિન બેને મૌન તોડ્યું
Back to top button