હૈદરાબાદમાં શ્રમિકોથી ભરેલી ઓટો ટ્રક સાથે અથડાઈ: 3નાં મોત, 14 ઘાયલ, 10ની હાલત ગંભીર

Hyderabad Road Accident: તેલંગાણાના હૈદરાબાદમાં દિવાળીના તહેવાર વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. હૈદરાબાદના આઉટર રિંગ રોડ પર હિમાયત સાગર નજીક શ્રમિકોથી ભરેલી માલવાહક ઓટોરિક્ષા આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 14 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 10ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
પેઇન્ટિંગનું કામ પૂરું કરીને પરત ફરી રહ્યા હતા શ્રમિકો
મળતી માહિતી મુજબ, ઓટોરિક્ષામાં કુલ 17 શ્રમિકો સવાર હતા. તેઓ મુચિંતલ વિસ્તારમાં એક ઇમારતમાં પેઇન્ટિંગનું કામ પૂરું કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રવિવારે વહેલી સવારે આશરે 12:45 વાગ્યે રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આઉટર રિંગ રોડ પર માઇલસ્ટોન 147+230 નજીક ઓટો આગળ જઈ રહેલી ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોરિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
ડ્રાઇવરને ઝોકું આવ્યું હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ઓટો ચલાવતી વખતે ડ્રાઇવરને ઊંઘનું ઝોકું આવ્યું હોઈ શકે છે, જેના કારણે વાહન ટ્રક સાથે અથડાયું હતું. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અકસ્માતમાં ઘાયલ થયેલા 14 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 10ની હાલત ગંભીર હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રકચાલક ભાગ્યો, સુરક્ષાકર્મીઓએ 20 કિમી પીછો કરી પકડ્યો
અકસ્માત બાદ ટ્રકચાલક વાહન રોકવાને બદલે ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, આઉટર રિંગ રોડના સુરક્ષાકર્મીઓએ ટ્રકનો આશરે 20 કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને તેને અટકાવી લીધો હતો. રાજેન્દ્રનગર પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને અકસ્માતના કારણો તથા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.











