ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરામાં લવ મેરેજ પછી પતિનું પોત પ્રકાશ્યું, પત્નીના 15 લાખ પડાવી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી

વડોદરા, 16 ઓકટોબર: શહેરના ગોરવા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પ્રેમલગ્નના પવિત્ર બંધનને શર્મસાર કરતી ઘટના બની છે. એક ખાનગી બેંકમાં નોકરી કરતી શિક્ષિત યુવતીએ તેના પતિ અને સાસરિયાં પર પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા, ₹15 લાખની છેતરપિંડી કરવા, શારીરિક અને માનસિક ત્રાસ આપવા, અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપવા અને વશીકરણ માટે તાંત્રિક વિધિ કરાવવા જેવા ગંભીર આરોપો સાથે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રેમથી છેતરપિંડી સુધીની સફર : ફરિયાદ મુજબ, પીડિતાની મુલાકાત તેના પતિ પાર્થ રોહિત સાથે કામ દરમિયાન થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને પાર્થના સતત દબાણ અને ભાવનાત્મક બ્લેકમેઇલને કારણે યુવતીએ તેની સાથે રજિસ્ટર્ડ લગ્ન કરી લીધા. લગ્ન પછી તરત જ, પાર્થે વિદેશમાં સારી નોકરીનું બહાનું કાઢી પત્ની પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹15 લાખ પડાવી લીધા હતા.

શારીરિક-માનસિક ત્રાસ અને બ્લેકમેઇલિંગ :લગ્ન બાદ મહિલા ગોરવા સ્થિત સાસરીમાં રહેવા ગઈ, જ્યાં શરૂઆતમાં સંબંધો સામાન્ય રહ્યા. જોકે, થોડા સમયમાં જ સાસુએ નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ કર્યા. પતિ પાર્થ પણ સાસરિયાંની તરફેણ કરી પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જ્યારે મહિલાએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે પતિએ ધમકી આપી કે જો પૈસા પાછા માંગશે તો તેના અશ્લીલ ફોટા અને વીડિયો વાઈરલ કરી દેશે અને જાનથી મારી નાખશે.

સસરા પર તાંત્રિક વિધિ કરવાનો આક્ષેપ : ફરિયાદી પરિણીતાએ સાસરિયાં પર અત્યાચારની હદ વટાવી દેવાનો આક્ષેપ કર્યો છે. પીડિતાના સસરાએ નડિયાદના એક તાંત્રિકને બોલાવીને તાંત્રિક વિધિ કરાવી હતી, જેનો હેતુ મહિલાને વશમાં રાખવાનો હતો. પતિ અને સાસરિયાંના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને મહિલા આખરે સાસરું છોડી પિયર પરત ફરી હતી. ત્યાં માતાને સમગ્ર હકીકત જણાવ્યા બાદ તેણે ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ પાર્થ રોહિત, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી, માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીઓ આપવા બદલ ગુનો દાખલ કરીને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button