સુરતની કમકમાટીભરી ઘટના: પત્નીએ જીવન ટૂંકાવ્યું, પતિ બચાવવાને બદલે મોબાઈલમાં વીડિયો ઉતારતો રહ્યો

સુરત: 16 જાન્યુઆરી, 2026: ગુજરાતના સુરત શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પતિના ત્રાસ અને ઉશ્કેરણીથી કંટાળીને એક પરિણીતાએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે પત્ની આગની જ્વાળાઓમાં લપેટાયેલી હતી, ત્યારે પતિ તેને બચાવવાને બદલે મોબાઈલથી વીડિયો બનાવી રહ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મૃતકની ઓળખ 31 વર્ષીય પ્રતિમાદેવી તરીકે થઈ છે, જે મૂળ બિહારના છપરાની વતની હતી. તે સુરતના ઈચ્છાપોર વિસ્તારની જયરાજ સોસાયટીમાં તેના પતિ રંજિત દિલીપ શાહ સાથે રહેતી હતી. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે. રંજિત ગેરેજમાં કામ કરતો હતો અને નાની-નાની વાતોમાં પત્ની સાથે મારપીટ કરતો હતો.
પતિની ઉશ્કેરણી બની જીવલેણ
ગત 4 જાન્યુઆરીએ પાડોશીની છત પર સુકાતા ઘઉં વેરાઈ જવાની બાબતે રંજિત બાળકો પર ગુસ્સે થયો હતો અને તેમને સ્કૂલે ન મોકલવાની ધમકી આપી હતી. જ્યારે પ્રતિમાએ બાળકોનો પક્ષ લીધો ત્યારે રંજિતે તેને પણ ફટકારી હતી. ગુસ્સામાં પ્રતિમાએ મરી જવાની વાત કરી, જેના પર રંજિતે ઉશ્કેરણી કરતા કહ્યું, “ઘરમાં તેલ પડ્યું છે, જઈને બળી મર.”
આ ઉશ્કેરણીથી પ્રેરાઈને પ્રતિમાએ પોતાના પર ડીઝલ છાંટીને આગ લગાવી દીધી. આરોપ છે કે રંજિતે તેને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો અને બળતી પત્નીનો વીડિયો રેકોર્ડ કરતો રહ્યો. જ્યારે તે ગંભીર રીતે દાઝી ગઈ ત્યારે તેણે પાણી છાંટ્યું અને હોસ્પિટલ લઈ ગયો. સારવાર દરમિયાન 11 જાન્યુઆરીએ પ્રતિમાનું મોત નીપજ્યું હતું.
પોલીસે નરાધમ પતિની કરી ધરપકડ
સુરત પોલીસના ACP શ્વેતા ડેનિયલે જણાવ્યું કે, આ મામલે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 85 અને 108 હેઠળ ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.












