અમેરિકાની 50 ટકા ટેરિફના નુકસાનને કેવી રીતે પહોંચી વળશે ભારત? જાણો દેશને તાકાત આપતા પાંચ મોટા પરિબળો

નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2025: અમેરિકાએ ભારત ફક્ત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરે છે તેના ઓઠા હેઠળ ભારતીય ઉત્પાદનો પર વધારાની 25 ટકા ટેરિફ લાદીને કુલ ટેરિફ 50 ટકા કરી છે. તેમાં રત્નો અને આભૂષણો, વસ્ત્રો, પગરખાં, રમતગમતના સાધનો, ફર્નીચર અને રસાયણ જેવી ચીજો પર કુલ ટેરિફ 50 ટકા થઇ ગઇ છે. ટેરિફનો આ દર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા સૌથી વધુ દરમાંનો એક છે અને બ્રાઝિલ અને ચીન પર લગાવવામાં આવેલા ટેરિફ બરોબર છે. જોકે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશની પાસે કેટલીક એવી ચીજો છે જેનો ઉપયોગ કરીને ટેરિફ સામે બાથ ભીડી શકાય છે અથવા તો તેની અસરને ખાળી શકાય છે. સોમવારે ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે બુધવારે 50% ટેરિફ લાદ્યા પછી પણ વર્તમાન પરિસ્થિતિ લાંબા ગાળાના સંબંધોમાં એક કામચલાઉ તબક્કો છે.
વડા પ્રધાને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની વિભાવના પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે આ વિકસિત ભારતનો વાસ્તવિક પાયો છે. તેમણે નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, દુકાનદારો અને પશુપાલકોના હિતોનું રક્ષણ કરવાની પણ ખાતરી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે જાપાન જેવા દેશો દ્વારા ભારતમાં કરવામાં આવતું ઉત્પાદન પણ સ્વદેશી છે કારણ કે તેમાં ભારતીય મજૂરોનો પરસેવો વહે છે.
આ છે ટેરિફની અસરને ખાળતા પાંચ પરિબળો
- ભારતીય બજારની વિશ્વસનીયતા
છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજાર પર સતત વિશ્વાસ કર્યો છે. દરમિયાન, તમામ ઉતાર-ચઢાવ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું છે. તાજેતરમાં, યુએસ રેટિંગ એજન્સીઓ S&P અને Fitch એ ભારતીય અર્થતંત્ર વિશે સકારાત્મક ટિપ્પણીઓ કરી છે. ફિચ માને છે કે યુએસ ટેરિફમાં વધારાની અસર ભારતના GDP પર નજીવી રહેશે, કારણ કે ભારતની અમેરિકામાં નિકાસ કુલ GDPના માત્ર 2 ટકા છે. ફિચે અંદાજ લગાવ્યો છે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. બીજી તરફ, S&P ગ્લોબલે 18 વર્ષ પછી ભારતનું રેટિંગ ‘BBB-‘ થી વધારીને ‘BBB’ કર્યું છે અને કહ્યું છે કે ભારત કોવિડ પછી સૌથી મજબૂત અને ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે.
- ભારતના સ્થાનિક બજારનું મોટું કદ
મેકકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ, 2050 સુધીમાં કુલ વિશ્વ વપરાશમાં ભારતનો હિસ્સો 16 ટકા સુધી વધી શકે છે. 2023માં, તે ફક્ત 9 ટકા હતો. આગામી સમયમાં, યુવા વસ્તી અને મજબૂત ગ્રાહક વર્ગને કારણે, ભારતનું સ્થાનિક બજાર વૈશ્વિક સ્તરે મોટી ભૂમિકા ભજવી શકે છે. આ જ કારણ છે કે ભારત ટેરિફ જેવા બાહ્ય આંચકાઓનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.
- GST વસૂલાત અને સંબંધિત કાયદાઓમાં સુધારો
ભારત સરકારના ડેટા અનુસાર, મે 2025 માં દેશનો GST વસૂલાત 16.4 ટકા વધીને રૂ. 2,01,050 કરોડ થઇ હતી. મે 2024માં, આ વસૂલાત રૂ. 1,72,739 કરોડ હતી. અગાઉ એપ્રિલ 2025માં, રૂ. 2.37 લાખ કરોડની વિક્રમી વસૂલાત થઇ હતી. મજબૂત GST સંગ્રહના આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર સ્થાનિક મોરચે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.
- ફુગાવાને નિયંત્રિત કરવામાં કેન્દ્રીય બેંક સફળ
એક અહેવાલ મુજબ, આ વર્ષે ભારતમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 1.55 ટકા થયો છે. આ છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચો સ્તર છે. જૂનમાં તે 2.1 ટકા હતો. ADBનો અંદાજ છે કે 2025માં ફુગાવો 3.8% અને 2026માં 4% રહેશે. ફુગાવાનો અંદાજ સરકારે ભારતીય રિઝર્વ બેંકને આપેલા લક્ષ્યાંકની અંદર છે.
- મૂડી રોકાણ પર ભાર
ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા અને વિદેશી રોકાણ આકર્ષવા માટે ભારત સતત મૂડી રોકાણને પ્રોત્સાહન આપી રહ્યું છે. સરકારે સમયાંતરે દેશના કોર્પોરેટ જગતને મૂડી રોકાણ વધારવા માટે પણ અપીલ કરી છે. ફેબ્રુઆરી 2025ના બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ સંબંધિત મોટી જાહેરાતો કરી હતી. તેમણે મૂડી રોકાણના ટાઇટલ હેઠળ રાજ્યોને 1.5 લાખ કરોડ રૂપિયાની વ્યાજ વગર લોન આપવાની વાત કરી હતી જેથી માળખાગત સુવિધાઓ અને ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવી શકાય.
આ પણ વાંચોઃ માર્કેટમાં છવાયું ટેરિફ ફેક્ટર, ગિફ્ટ નિફ્ટી સહિત સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રારંભ બાદ મોટો કડાકો












