અમદાવાદ શહેરમાં બોમ્બની ધમકી આપવાના કેસમાં હાઇકોર્ટે આરોપી મહિલાને આપ્યા જામીન

અમદાવાદ, 27 નવેમ્બર 2025 : દેશભરમાં ગભરાહટ ફેલાવનારા બોમ્બ ધમકી કેસની મુખ્ય આરોપી, ચેન્નઈની રેની જોશીલ્ડા (ઉર્ફે રિની જોશીલ્ડા)ને ગુજરાત હાઇકોર્ટે ₹૪૦૦ના અંગત બોન્ડ પર જામીન મંજૂર કરી દીધા છે.
ગયા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રેનીએ અમદાવાદની ડઝનબંધ શાળાઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બી.જે. મેડિકલ કોલેજ તથા ગુજરાત હાઇકોર્ટ સહિત દેશના ૧૧ રાજ્યોમાં સેંકડો બોમ્બ ધમકીભર્યા ઈ-મેલ મોકલ્યા હતા. આ ધમકીઓથી અમદાવાદમાં અનેક શાળાઓ ખાલી કરાવવી પડી હતી, એક દિવસ હાઇકોર્ટનું કામકાજ પણ બંધ રહ્યું હતું અને શહેરમાં “વાઘ આવ્યો-વાઘ આવ્યો” જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ચેન્નઈ પોલીસે રેનીને ઓક્ટોબર ૨૦૨૪માં ધરપકડ કરી હતી. ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવી અમદાવાદમાં રજૂ કરી હતી.
જામીન અરજીની સુનાવણી દરમિયાન રેનીના વકીલે દલીલ કરી હતી કે આરોપી એક મહિલા છે, તે વ્યક્તિગત સંબંધોને લીધે માનસિક રીતે વ્યથિત હતી અને ગુજરાતના તમામ કેસોમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. સરકારી વકીલે વિરોધ કરતાં જણાવ્યું હતું કે આરોપીએ દેશના ૧૧ રાજ્યોમાં આતંક ફેલાવ્યો છે અને તેનાથી જાહેર સુરક્ષાને ખતરો છે.
જસ્ટિસ એ.એસ. સુપેહિયાની બેન્ચે નોંધ્યું કે, “આરોપી વ્યક્તિગત સંબંધોને લીધે ડિસ્ટર્બ હતી, ગુજરાતના કેસોમાં ચાર્જશીટ થઈ ગઈ છે અને તે મહિલા હોવાથી તેને જેલમાં રાખવાની જરૂર નથી.” આથી કોર્ટે માત્ર ₹૪૦૦ના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા.
આ પણ વાંચો: મલ્ટીબેગર પ્રો ફિન કેપિટલમાં હોંગકોંગની કંપનીનો વિશ્વાસ: ₹22 પ્રતિ શેરના ભાવે 25% હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ











