ગુજરાતમાં ધોધમાર વરસાદ, જાણો સરદાર સરોવર સહિત વિવિધ ડેમની જળસપાટી

- 22 ડેમોમાં નર્મદાનીર સૌની યોજના મારફત ઠલવાઈ રહ્યું છે
- સૌરાષ્ટ્ર-કચ્છના 48 સહિત રાજ્યના 60 ડેમો છલકાઈ ગયા
- રાજ્યમાં એકંદરે 77.65 ટકા જળસંગ્રહ થયો છે
રાજકોટના વીસ લાખ લોકો સહિત સૌરાષ્ટ્રના લાખો લોકો જેના પર પીવાના પાણી માટે પણ નિર્ભર છે, તે સરદાર સરોવરમાં જળસપાટી 133.06 મીટરે પહોંચી હતી અને ડેમમાં 81.50 ટકા જળસંગ્રહ થયો છે અને હજુ આવક ચાલુ હોવાથી કેનાલમાં જેટલું પાણી છોડાય છે, તેથી વધુ નદીમાં છોડાઈ રહ્યું છે.
જળાશયોમાં હવે વરસાદનું પ્રમાણ વધતા ડેમોમાં આવક થઈ રહી છે
સૌરાષ્ટ્રના જળાશયોમાં હવે વરસાદનું પ્રમાણ વધતા ડેમોમાં આવક થઈ રહી છે ત્યારે પણ 22 ડેમોમાં નર્મદાનીર સૌની યોજના મારફત ઠલવાઈ રહ્યું છે. આજી-3 ડેમ ઓવરફ્લો થયો છે તેમાં પણ આજે નર્મદાનીર ચાલુ હતું. સિંચાઈ વિભાગના સૂત્રો અનુસાર રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-1,આજી-1 અને ભાદર-1 તથા મોરબીના મચ્છુ-1,મચ્છુ૨ તેમજ ખોડાપીપર, આજી-3, ઉંડ-1, બોરતળાવ, ચાચકા, વાસલ, ભીમદાદ, કાનિયાદ, ડેમી-1, ઉંડ-4, આંકડીયા, ઘેલો ઈતરીયા, આલણસાગર, માલગઢ ઈશ્વરીયા, કર્ણુકી સહિત 22 જળાશયો ઉપરાંત 19 તળાવો અને 460 ચેકડેમોમાં સૌની યોજનાથી નર્મદાનીર ઠલવાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના 48 સહિત રાજ્યના 60 ડેમો છલકાઈ ગયા
આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના 48 સહિત રાજ્યના 60 ડેમો છલકાઈ ગયા છે, જળસંગ્રહ 100 ટકાએ પહોંચી ગયું છે અને તે ઉપરાંત રૃલ લેવલ જાળવવા દરવાજા ખોલાયા હતા. આજની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં મોજ, વેણુ-2, આજી-2, આજી-3, ન્યારી-2, ભાદર-2 ડેમ, મોરબી જિલ્લામાં બ્રાહ્મણી-2, મચ્છુ-3, જામનગર જિલ્લામાં ફુલઝર-2, વાડીસંગ, ફુલઝર (કો.બા), ઉમીયાસાગર સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ, ત્રિવેણીઠાંગા ઉપરાંત સોરઠી અને સાકરોલી ડેમ માં ઓવરફ્લો જારી રહ્યો હતો. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં તા.14 ઓગષ્ટની સ્થિતિએ 66.39 ટકા સહિત રાજ્યમાં 72.01 ટકા જળસંગ્રહ હતો જે ભારે વરસાદથી આજે તા. 22 ઓગષ્ટે સૌરાષ્ટ્રમાં 74.34 ટકા સહિત રાજ્યમાં એકંદરે 77.65 ટકા જળસંગ્રહ થયો છે.












